રાજસ્થાન સરકારે વિરોધ બાદ બાળ લગ્ન રજિસ્ટ્રેશન બિલ પાછુ ખેંચ્યુ

જયપુર, દેશના ઘણા રાજ્યોમાં આજે પણ ગેરકાયદે બાળ લગ્નો કરાવવામાં આવી રહ્યા છે. સરકારના કડક કાયદા છતાં આ કુપ્રથા પર રોક નથી લગાવી શકાઈ.
આ દરમિયાન રાજસ્થાન સરકારે લગ્ન રજિસ્ટ્રેશન(સુધારા) બિલ, ૨૦૨૧ને પાછુ લઈ લીધુ છે. જે હેઠળ લગ્નનુ કાનૂની રજિસ્ટ્રેશન અનિવાર્ય કરવામાં આવ્યુ હતુ. આ બિલને લઈને એ વખતે હોબાળો શરૂ થયો જ્યારે તેમાં સગીર(બાળ લગ્ન)ના લગ્નને પણ લગ્નના ૩૦ દિવસની અંદર રજિસ્ટર કરાવવાની વાત સામે આવી.
ગયા મહિને રાજસ્થાન સરકારે લગ્ન સુધારા બિલ, ૨૦૨૧ને રાજ્ય વિધાનસભામાં રજૂ કર્યુ હતુ પરંતુ વિપક્ષ સહિત દેશભરના સમાજ કલ્યાણ સંગઠનોએ આનો જાેરદાર વિરોધ કર્યો. ૧૬ ઓગસ્ટે રાજસ્થાનની અશોક ગહેલોત સરકારે રાજ્ય વિધાનસભામાં રાજસ્થાન અનિવાર્ય લગ્ન રજિસ્ટ્રેશન (સુધારા) બિલને આગળ વધાર્યુ. આ બિલ રાજસ્થાન અનિવાર્ય રજિસ્ટ્રેશન અધિનિયમ, ૨૦૦૯ની કલમ ૮માં સુધારો કરે છે.
આ બિલ પાસ થયા બાદ રાજસ્થાનમાં જાે વરરાજા અને નવવધુની ઉંમર ૨૧ વર્ષથી ઓછી હોય તો તેમના લગ્નને ૩૦ દિવસની અંદર રજિસ્ટર કરાવવા અનિવાર્ય હતા. આવા મામલામાં તેમના માતાપિતા કે વાલીને લગ્નનુ રજિસ્ટ્રેશન કરાવવાનુ હોત. મુખ્યમંત્રી અશોક ગહેલોતે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ કાર્યક્રમમાં કાયદો પાછો લેવાના ર્નિણયની જાહેરાત કરી.HS