રાજસ્થાન સરકાર સિંગાપુરના કોવિડ પ્રોટોકોલને અપનાવી શકે છે : ગેહલોત

જયપુર: ભારતભરમાં કોરોના સંક્રમિતોના કેસોમાં ધરખમ વધારો થવા પામ્યો છે. રાજસ્થાનમાં પણ પહેલા કરતા અત્યારે કોરોના સંક્રમિતોનો આંક દીવસેને દીવસે વધતો જઈ રહ્યો છે. જેથી કોરોના મહામારીને સંબોધીને મુખ્યંમંત્રી ગેહલોતે કહ્યું હતું કે, લોકો કોરોનાની ગાઈડલાઈનનું યોગ્ય પાલન નથી કરી રહ્યા જેના કારણે પરિસ્થિતિ બગડી રહી છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનારાઓ સામે મોટી રકમ દંડ પેઠે વસૂલવામાં આવે છે. પરંતુ રાજસ્થાનમાં હજુ સુધી તેમણે આટલા કડક પગલા હાથ ધર્યા નથી. ગેહલોતે લોકોને ટકોર કરી હતી કે, જરૂરી જણાશે તો આના વિરુદ્ધ સરકાર પણ કડક પગલાં અને નિયમો લાગુ કરાવશે. તેમણે કોરોનાને કાબૂમાં લાવવા માટે સિંગાપુરના મોડલનો પણ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્યમંત્રીએ તેમના ટ્વીટમાં કહ્યું હતું કે, ‘સિંગાપુરે કોવિડ ગાઈડલાઈનને અનુસરવા માટે કડક નિયમો બનાવ્યા હતા. જેના કારણે દંડના ભયથી ત્યાંના સ્થાનિક લોકોએ તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું હતું અને કેસોમાં પણ ઘટાડો થયો હતો. ભારતમાં પણ ઘણા રાજ્યોમાં કોરોનાની ગાઈડલાઈનના ઉલ્લંઘન પર મોટી રકમમાં દંડ વસુલવામાં આવે છે. રાજસ્થાનની સરકારે હજુ સુધી આવા કડક પગલા નથી ભર્યા પરંતુ તેમ છતાં લોકો કોરોનાની પ્રાથમિક ગાઈડલાઈનને અનુસરતા નથી, જેના કારણે સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ જવા પામ્યો છે.
તેમણે લોકોને કોરોનાની તમામ ગાઈડલાઈને અનુસરવાની અપીલ કરી હતી. ગેહલોતે લોકોને સહેજ પણ લાપરવાહી દાખવવાની મનાઈ ફરમાવી હતી અને ટકોર આપતા કહ્યું હતું કે રાજ્યના લોકો મહામારીની ગંભીરતાને નહીં સમજે તો તેઓ પણ અહીંયા કડક નિયમો લાદી દેશે.
રાજસ્થાનમાં ૪૭૬ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. આની સાથે રાજસ્થાનનો કુલ કોરોના સંક્રમિતોનો આંક ૩ લાખ ૨૫ હજાર ૪૨૪એ પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને પરિણામે અત્યારસુધી ૨૭૯૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અત્યારે લગભગ ૩૫૮૫ કોરોનાના દર્દીઓ સારવર હેઠળ છે.
રાજસ્થાનના જયપુરમાં ૮૬, જાેધપુરમાં ૪૯, કોટામાં ૩૯, અજમેરમાં ૩૬, ભીલવાડ-ડૂંગરપુરમાં ૩૨-૩૨, રાજસમંદમાં ૨૩, બાંસવાડામાં ૨૦, ચિત્ત્તોડગઢમાં ૧૩, અલવરમાં ૧૨, ઝાલાવાડ- પ્રતાપગઢ- સિરોહીમાં ૧૧-૧૧ કોરોના સંક્રમિતો મળી આવ્યા છે. ભારતભરમાં ફરીથી કોરોના સંક્રમિતોના કેસમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક રિપોર્ટના આધારે ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૯૫૧ કોરોનાના કેસો સામે આવ્યા છે, જેમાંથી ૨૧૨ લોકોના મોત નીપજ્યાં છે. ૭ નવેમ્બર પછી આ સૌથી મોટો આંક છે. મહારાષ્ટ્ર, પંજાબ, કર્નાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં કોરોના સંક્રમિતોનો આંક વધતો જઈ રહ્યો છે.