Western Times News

Gujarati News

રાજસ્થાન સામે દિલ્હી કેપિટલ્સનો શાનદાર વિજય

દુબઈ: શિમરોન હેતમાયરની આક્રમક બેટિંગ બાદ બોલર્સે કરેલા શાનદાર પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૨૩મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ૪૬ રને શાનદાર વિજય નોંધાવ્યો છે.

દિલ્હી વર્તમાન સિઝનમાં અત્યાર સુધી છ મેચ રમી છે જેમાં તેણે પાંચ મેચ જીતી છે અને એક મેચમાં પરાજયનો સામનો કર્યો છે. દિલ્હી ૧૦ પોઈન્ટ સાથે પોઈન્ટ્‌સ ટેબલમાં ટોચના સ્થાને આવી ગઈ છે

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ૮ પોઈન્ટ્‌સ સાથે બીજા ક્રમે છે. શારજાહમાં રમાયેલી મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ રાજસ્થાન સામે ૧૮૫ રનનો પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૩૮ રનમાં આઉટ થઈ ગઈ હતી.

આ સાથે રાજસ્થાન પોતાના પરાજયની હારમાળાને તોડવામાં નિષ્ફળ રહી હતી. અગાઉ દિલ્હીએ શિમરોન હેતમાયરની એક ચોગ્ગા અને પાંચ સિક્સર સાથે ૨૪ બોલમાં રમેલી ૪૫ રનની ઈનિંગ્સની મદદથી ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૪ રનનો સ્કોર ખડક્યો હતો.

૧૮૫ રનના પડકારજનક લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી ન હતી. ૧૫ રને જ ટીમે જોસ બટલરની મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. તેણે ૧૩ રન નોંધાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ અને કેપ્ટન સ્ટિવ સ્મિથની જોડીએ બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ તેમાં સફળ રહ્યા ન હતા.

જયસ્વાલ ૩૬ બોલમાં ૩૪ અને સ્મિથ ૧૭ બોલમાં ૨૪ રન નોંધાવીને આઉટ થયા હતા. ત્યારબાદ મિડલ ઓર્ડર વધુ એક વખત નિષ્ફળ રહ્યો હતો.

વર્તમાન ટુર્નામેન્ટમાં મિડલ ઓર્ડર રાજસ્થાન માટે ચિંતાનો વિષય રહ્યો છે. સ્મિથ અને જયસ્વાલ આઉટ થયા બાદ રાજસ્થાને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. એકમાત્ર રાહુલ તેવાટિયાએ થોડી લડત આપી હતી પરંતુ તે ટીમને જીતાડવા માટે પૂરતી ન હતી.

સંજૂ  સેમસન પાંચ રન નોંધાવી સક્યો હતો. તેવાટિયાએ ૨૯ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૩૮ રન ફટકાર્યા હતા. દિલ્હી માટે કાગિસો રબાડાએ ત્રણ તથા રવિચંદ્રન અશ્વિન અને માર્ક્‌સ સ્ટોઈનિસે બે-બે વિકેટ ઝડપી હતી.

અગાઉ ખરાબ શરૂઆત બાદ મિડલ ઓર્ડર બેટ્‌સમેન શિમરોન હેતમાયર તથા માર્ક્‌સ સ્ટોઈનિસની આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ ટી૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૩મી સિઝનની ૨૩મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ૧૮૫ રનનો લક્ષ્યાંક મૂક્યો છે. શારજાહ ખાતેની મેચમાં રાજસ્થાન રોયલ્સના સુકાની સ્ટિવ સ્મિથે ટોસ જીતીને દિલ્હીને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.


દિલ્હીએ નિર્ધારીત ૨૦ ઓવરમાં ૮ વિકેટે ૧૮૪ રનનો સ્કોર નોંધાવ્યો હતો. હેતમાયરે ૪૫ અને સ્ટોઈનિસે ૩૯ રનનું યોગદાન આપ્યું હતું.

દિલ્હી માટે પૃથ્વી શો અને શિખર ધવને ઈનિંગ્સની શરૂઆત કરી હતી. જોકે, ૧૨ રનના સ્કોરે ધવન આઉટ થઈ ગયો હતો. ધવને પાંચ રન નોંધાવ્યા હતા. ત્યારબાદ ૫૦ રનના સ્કોર સુધીમાં દિલ્હીએ પૃથ્વી શો અને કેપ્ટન શ્રેયસ ઐય્યરની વિકેટ ગુમાવી દીધી હતી.

પૃથ્વી શોએ ૧૦ બોલમાં બે ચોગ્ગા અને એક સિક્સર સાથે ૧૯ રન ફટકાર્યા હતા જ્યારે ઐય્યરે ૧૮ બોલમાં ચાર ચોગ્ગા સાથે ૨૨ રનની ઈનિંગ્સ રમી હતી.

વિકેટકીપર બેટ્‌સમેન રિશભ પંત પણ સસ્તામાં પેવેલિયન ભેગો થઈ ગયો હતો. તે ફક્ત પાંચ રન જ નોંધાવી શક્યો હતો.

જોકે, માર્ક્‌સ સ્ટોઈનિસ અને શિમરોન હેતમાયરે આક્રમક બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને મજબૂત બનાવ્યો હતો. હેતમાયરે ૨૪ બોલમાં એક ચોગ્ગા અને પાંચ સિક્સરની મદદથી ૪૫ રન ફટકાર્યા હતા

જ્યારે સ્ટોઈનિસે ૩૦ બોલમાં ચાર સિક્સર સાથે ૩૯ રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત હર્શલ પટેલે ૧૬ અને અક્ષર પટેલે ૧૭ રનનું યોગદાન આપ્યું હતું.

રાજસ્થાન માટે જોફ્રા આર્ચરે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે કાર્તિક ત્યાગી, એન્ડ્રી ટાય અને રાહુલ તેવાટિયાને એક-એક સફળતા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.