રાજસ્થાન હોર્સ ટ્રેડિંગ મામલે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે રાજદ્રોહની કલમ હટાવી
નવીદિલ્હી, રાજસ્થાનના રાજકીય ડ્રામા અંગે સૌથી મોટા સમાચાર. સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ધારાસભ્યોના હોર્સ ટ્રેડીંગનો કેસ એન્ટી કરપ્શન બ્યૂરોને ટ્રાન્સફર કરી દીધો છે. તેમાં રાજદ્રોહની કલમ પણ હટાવી લેવામા આવી છે. સચિન પાયલટ અને તેમના જૂથના ધારાસભ્યોને એસઓજીએ રાજદ્રોહની કલમ અંતર્ગત જ નોટિસ આપી હતી. પાયલટે તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. પાયલટ જૂથને જે નોટિસ મોકલામાં આવી હતી તેમાં આઇપીસી ૧૨૪એ અને ૧૨૦બીનો ઉલ્લેખ હતો. કલમ ૧૨૪છ દેશદ્રોહ સાથે સંકળાયેલી છે. કોઇ પણ નાગરિક સરકાર વિરોધી વાત કરે અથવા લખે અથવા રાષ્ટ્રીય પ્રતીકોનું અપમાન કરી બંધારણને નીચે દેખાડવાનો પ્રયત્ન કરે તો તેની સામે આ કલમ અંતર્ગત કેસ દાખલ થાય છે. આ મામલામાં દોષી સાબિત થવા પર ૩ વર્ષથી ઉંમરકેદ સુધીની સજા થઇ શકે છે.
આ મામલે એક નવા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર સચિન પાયલટ જૂથના અમુક ધારાસભ્યોએ કોંગ્રેસ હાઇકમાન્ડને મેસેજ મોકલ્યો છે કે તેઓ પાર્ટીથી બહાર જવા નથી માંગતા પરંતુ પ્રદેશમાં મુખ્યમંત્રીનો ચહેરો બદલવો જોઇએ. તેમણે હાઇકમાન્ડ સમક્ષ માંગણી કરી છે કે મુખ્યમંત્રી માટે ગેહલોત અને પાયલટ સિવાય કોઇ ત્રીજા વિકલ્પ પર વિચાર કરવામા આવે તો તેઓ રાજી છે.
હાઇકોર્ટે રાજ્યપાલને પદ પરથી હટાવવાની અરજીને મંગળવારે ફગાવી દીધી હતી. વકીલ શાંતનુ પરીકે આ અરજી દાખલ કરી હતી. તેમણે વિધાનસભાનું સત્ર ન બોલાવવાના કારણે રાજ્યપાલને હટાવવાની માંગ કરી હતી. રાજ્યપાલ ૧૪ ઓગસ્ટે સત્રને મંજૂરી આપી ચૂક્યા છે. તેથી કોર્ટે પરીકની અરજીને અર્થવિહિન કહીને ફગાવી દીધી હતી. હાઇકોર્ટમાં હવે બે અરજીઓ પર સુનાવણી થશે.
પહેલી સુનાવણી ગેહલોત અને પાયલટ જૂથના ધારાસભ્યોના પગાર અને ભથ્થાને રોકવા અંગેની છે. અરજદાર વિવેકસિંહ જાદૌનના જણાવ્યા પ્રમાણે રાજ્યની નાણાકીય સ્થિતિ બરોબર નથી અને ધારાસભ્યો તેમના વિસ્તારમાં જવાની જગ્યાએ હોટલમાં રોકાયા છે. બીજી સુનાવણી પાયલટ જૂથના ધારાસભ્ય ભંવરલાલ શર્માની છે. ગેહલોત અને પાયલટ સિવાય કોઇ ત્રીજા ચહેરા અંગે વિચાર કરવાના મેસેજની વાત અંગે રાજસ્થાન કોંગ્રેસ પ્રભારી અવિનાશ પાંડેએ ઇનકાર કર્યો છે. તેમણે કહ્યું કે ન તો બળવાખોર ધારાસભ્યો હાઇકમાન્ડને મળ્યા છે અને ન કોઇ મેસેજ મળ્યો છે. આમેય પાર્ટીમાં પાછા આવવા માટે કોઇ શરતો નથી હોતી. પહેલા તો તેમને હાઇકમાન્ડની માફી માગવી જોઇએ.