રાજસ્થાન: 102 કોંગી MLAની સીએમના ઘરે પરેડ, બધાને હોટેલમાં શિફ્ટ કરાયા
જયપુર/નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે કોંગ્રેસ વિધાનસભા પક્ષ (સીએલપી)એ સોમવારે રાજ્યમાં અશોક ગેહલોતની આગેવાનીવાળી સરકારને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો દીધો. આ અંગેની બેઠક પહેલાં 102 ધારાસભ્યો મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને આવ્યા હતા. ડેપ્યુટી સીએમ સચિન પાયલોટના બળવોને કારણે સર્જાયેલા સંકટ વચ્ચે પાર્ટી દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી.
દરમિયાનમાં પ્રિયંકા ગાંધી વાઢરાએ પણ મોરચો સંભાળી લીધો. તેઓ સચિનને મનાવી રહ્યા છે. તેમની અને રાહુલ ગાંધી સાથે આશરે પાંચ મોટા કોંગ્રેસી નેતા સચિનને મનાવવા સતત સંપર્કમાં છે. જ્યારે ભાજપે રાજસ્થાન વિધાનસભામાં ફ્લોરટેસ્ટની માગ કરી. કહ્યું કે ગેહલોત સરકારે બહુમતી ગુમાવી દીધી છે.
બેઠક બાદ તમામ 102 ધારાસભ્યોને હોર્સટ્રેડિંગથી બચાવવા માટે જયપુરની ફેરમોન્ટ હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે હાલ તો રાજસ્થાનમાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે આખરે બાજી સંભાળી લીધી છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના બળવા બાદ રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પરનું સંકટ ઓછુ થઈ રહ્યું છે. CM આવાસની અંદર ગેહલોતે પોતાના સમર્થક ધારાસભ્યોની મીડિયા સામે પરેડ કરાવી છે. ગેહલતો સમર્થક જૂથનો દાવો છે કે, તેમની પાસે 107 ધારાસભ્યો છે. જે બહુમતના 101 આંકડા કરતાં વધારે છે. જો કે સચિન પાયલટનું કહેવું છે કે, તેમની પાસે 25 ધારાસભ્યોનો ટેકો છે.