રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેજર ધ્યાનચંદના નામે ઓળખાશે
નવી દિલ્હી: ભારતમાં રમત-ગમત ક્ષેત્રે અપાતા મહત્વના ખેલ રત્ન પુરસ્કારનું નામ હવે મેજર ધ્યાનચંદ રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદના નામે રાખવામાં આવશે. મોદીએ કહ્યું કે મેજર ધ્યાનચંદના નામે ખેલ રત્ન પુરસ્કાર રાખવા માટે દેશભરમાંથી ઘણાં નાગરિકો રજૂઆત કરી રહ્યા છે. હું તેમના વિચારો અંગે તેમનો આભાર વ્યક્ત કરું છું. તેમની ભાવનાનું સન્માન કરીને, ખેલ રત્ન પુરસ્કારને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કહેવામાં આવશે.
હોકીમાં ભારતીય ખેલાડીઓના સારા પ્રદર્શન વચ્ચે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દેશને ગર્વિત કરનારી પળો વચ્ચે અનેક દેશવાસીઓએ એવો આગ્રહ કર્યો છે કે ખેલ રત્ન પુરસ્કારનું નામ મેજર ધ્યાનચંદજીને સમર્પિત કરવામાં આવે. લોકોની ભાવનાઓને જાેતા, તેનું નામ હવે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાને આ અંગે ટિ્વટ કરીને લખ્યું છે કે, ઓલિમ્પિક રમતોમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રયાસથી આપણે સૌ અભિભૂત છીએ. ખાસ કરીને હોકીમાં અમારી દીકરીઓએ જે ઈચ્છાશક્તિ દર્શાવી છે, જીત પ્રત્યે જે જુસ્સો દર્શાવ્યો છે, વર્તમાન અને આવનારી પેઢીઓ માટે તે પ્રેરણાદાયી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મેજર ધ્યાનચંદ ભારતના એક અગ્રણી ખેલાડીઓમાંથી છે જેમણે ભારત માટે સન્માન અને ગૌરવ અર્જિત કર્યા. તેમણે કહ્યું કે દેશમાં સર્વોચ્ચ ખેલ સન્માન તેમના નામ પર રાખવું એકદમ યોગ્ય છે. આ પુરસ્કાર પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીના નામ સાથે સંકળાયેલો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટોકિયો ઓલિમ્પિકમાં પુરુષો અને મહિલાઓની હોકી ટીમના અસાધારણ પ્રદર્શનથી દેશવાસીઓને ગર્વ થઈ રહ્યો છે. દેશમાં હોકીને લઈને એક નવી ઉર્જા ઉત્પન્ન થઈ રહી છે. આ આવનારા સમયમાં ઘણાં જ સકારાત્મક સંકેત બની શકે છે.