રાજીવ ગાંધી હત્યાની દોષી નલિનીએ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો
નવીદિલ્હી, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિની શ્રીહરનએ જેલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જેલના ગાર્ડે તેને સમયસર બચાવી લીધી. નલિનીને તાત્કાલિક હાૅસ્પિટલ લઈ જવામાં આવી. હાલ તેની હાલત ઠીક હોવાનું કહેવાય છે. નલિનીએ કેવી રીતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો, તે અંગે હજુ કોઈ જાણકારી નથી મળી.
નોંધનીય છે કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા મામલામાં નલિની શ્રીહરન વેલ્લોરની જેલમાં આજીવન કેદની સજા કાપી રહી છે. તે ૨૯ વર્ષથી આખ જેલમાં કેદ છે. અને આ પહેલી ઘટના છે જ્યારે તેણે આવું પગલું ભરવાનો પ્રયાસ કર્યો છે.
એક અંગ્રેજી અખબારના રિપોર્ટ મુજબ, નલિનીના વકીલ પુગલેંતીએ જણાવ્યું કે સવારે નલિની શ્રીહરનનો જેલમાં એક કેદી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ જ તેણે આવું પગલું ભર્યું. હાલ તે ઠીક છે. આ દરમિયાન નલિનીના પતિ મુરુગને તેણે બીજી જેલમાં ટ્રાન્સફર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે જેલમાં નલિનીના જીવને પણ ખતરો હોઈ શકે છે. નલિનીને ૨૦૧૯માં એક મહિનાની પેરોલ મળી હતી, ત્યારે તેની દીકરીના લગ્ન હતા.
નલીનીના વકીલના જણાવ્યાનુંસાર ૨૯ વર્ષ પહેલા જેલમાં બંધ નલિની સાથે પહેલી વાર એવું થયું હતુ ત્યારે તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વકીલે જણાવ્યું કે તેનો જેલમાં કથિત રીતે કેદી સાથે ઝઘડો થયો હતો. જે કેદી સાથે નલિનીનો ઝઘડો થયો હતો તે ઉંમર કેદ માટે જેલમાં બંધ છે. એ બાદ કેદીએ જેલરને આ અંગે ફરિયાદ કર્યા બાદ નલિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.વકીલે જણાવ્યું કે નલિનીએ પહેલા ક્યારેય આવું કર્યુ નથી. એટલા માટે આનું મુળ કારણ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નલિનીનો પતિ મુરુગન પણ રાજીવ ગાંધી હત્યાકાંડમાં જેલમાં બંધ છે. તેણે અપીલ કરી છે કે તેની પત્નીને વેલ્લોર જેલમાંથી પુઝલ જેલમાં શિફ્ટ કરવામાં આવે. વકીલે જણાવ્યું કે અદાલતમાં મુરુગનની માંગને મુકવામાં આવશે.
નોંધનીય છે કે, ૨૧ મે ૧૯૯૧ના રોજ તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક બ્લાસ્ટમાં રાજીવ ગાંધીનું મોત થયું હતું. આ હત્યાકાંડનું કાવતરું શ્રીલંકામાં ઘડવામાં આવ્યું હતું. નવેમ્બર ૧૯૯૦માં શ્રીલંકાના જાફનામાં કાવતરું ઘડનારા એટીટીઇ પ્રમુખ પ્રભાકરન અને તેના ચાર સાથી બેબી સુબ્રહ્મણ્યમ, મુથુરાજા, મુરુગન અને શિવરાસન સામેલ હતા. નલિનીએ ધનૂ નામની એ છોકરીની તલાશ કરી હતી જેના શરીર પર બોમ્બ બાંધીને રાજીવ ગાંધીને પાસે મોકલવામાં આવી હતી. નલિના ઘરે જ તેને તમામ પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. ૨૧ મેના રોજ શ્રીપેરંબદૂરમાં રેલી દરમિયાન ધનૂએ રાજીવ ગાંધીને માળા પહેરાવી, ચરણસ્પર્શ કર્યા અને બોમ્બ બ્લાસ્ટ થઈ ગયો.
નલિની, દુનિયામાં સૌથી લાંબા સમય સુધી સજા કાપનારી મહિલા છે. જેલમાં પસાર કરેલા સમય દરમિયાન તેણે તમિલ ભાષામાં ૫૦૦ પાનાનું એક પુસ્તક લખ્યું, જેને ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. નલિનીએ પોતાની આત્મકથામાં પ્રિયંકા ગાંધી સાથે થયેલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો છે.