રાજીવ સાતવ- પ્રદેશ નેતાગિરીના અહમથી કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાયું
(પ્રતિનિધિ) અમદાવાદ:ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણી સમયે કકળાટ અનેક વખત જાવા મળ્યો છે પરંતુ આ વખતે સ્થિતિ જુદી જ છે. કોંગ્રેસના ચાર જેટલા ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. રાજયસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષે તેના બે સત્તાવાર ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભા.જ.પે ત્રણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને ઉતારતા જ રાજકીય રીતે ચૂંટણી જીવંત થઈ ગઈ છે.
કોંગ્રેસમાંથી ચાર જેટલા વર્તમાન ધારાસભ્યોને રાજીનામા ધરી દેવા પડે તેવી પરિÂસ્થતિનું નિર્માણ રાતોરાત થયુ હોય તેવુ તો બની શકે તેમ નથી તેની પાછળ કેટલાક કારણો જવાબદાર હોઈ શકે છે તેનો ઈન્કાર થઈ શકે તેમ નથી ભા.જ.પ. રાજકીય રીતે તેના સોગઠા ગોઠવે તેને દરેક પોત પોતાની રીતે મૂલવી શકે છે પરંતુ રાજકીય વિશ્લેષકોની વાતોને નજર અંદાજ ન કરીએ તો કોંગ્રેસ પક્ષમાં અહમનું વાતાવરણ લાંબા સમયથી જાવા મળી રહયુ છે.
પ્રદેશ નેતાઓમાં આંતરિક અહમની સ્થિતિની વચ્ચે ગુજરાત કોંગ્રેસના રાજકીય પ્રભારીના કેટલાક નિવેદનોએ બળતામાં ઘી હોમ્યું હોવાનું કહેવાય છે અને તેની ચર્ચા રાજકીય ગલિયારીઓમાં છાને છપને થઈ રહી છે. કોંગ્રેસના ધારાસભયોએ રાજીનામા આપવા પડે તેની પાછળ તેમની રજૂઆતો સાંભળવામાં આવતી નહી હોવાના આક્ષેપો થયા હતા. ધારાસભ્યોના પ્રજાકીય પ્રશ્નોની ઉપેક્ષા પ્રદેશ નેતાગીરીને ભારે પડી રહી છે તેમ કહેવાય છે. સ્વાભાવિક છે કે જે ધારાસભ્યો રાજીનામા ધરી દીધા છે
તેઓએ પણ આ અંગેના કારણો આપી દીધા હશે. ભા.જ.પ. કોંગ્રેસના ધારાસભ્યોને તોડી શકયુ છે તેવા આક્ષેપો કોંગ્રેસ તરફથી થઈ રહયા છે. પરંતુ કોંગ્રેસની નેતાગીરીએ પણ આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે દરેક વખતે ચૂંટણી સમયે કોંગ્રેસમાં મહાભારત જાવા મળે છે છેક સુધી અંદરો અંદર ખેંચતાણ થતી હોવાના દ્રશ્યો અવાર નવાર જાવા મળ્યા છે.
પરંતુ આ વખતે રાજયસભાની ચૂંટણીમાં કંઈક અલગ દ્રશ્યો જાવા મળ્યા છે ધારાસભ્યોએ પ્રદેશ નેતાગીરી તથા કેન્દ્રીય મોવડીઓની વાત ધ્યાને લીધી હોય તેવુ જણાતુ નથી તેમ છતાં હાલના તબકકે રાજકીય પરિસ્થીતિ પ્રવાહી છે તેને જાતા કોંગ્રેસના કેન્દ્રીય મોવડીઓ દિલ્હી આવી રહયા છે. નારાજ ધારાસભ્યોને કઈ રીતે સાચવવા તેના પર ભાર મૂકાશે. જયારે જેમણે રાજીનામા ધરી દીધા છે
તેવા ધારાસભ્યોની સાથે બેઠક યોજવી કે કેમ ?? તે મોવડીઓ પર છોડી દેવાશે. કેન્દ્રીય મોવડીઓ સમક્ષ પ્રદેશ નેતાગીરીની કામગીરીને લઈને પસ્તાળ પડશે તેમ મનાય છે સામે પક્ષે કોંગી આગેવાનો ચૂંટણીમાં બંને બેઠકો પર જીતનો આશાવાદ સેવી રહયા છે તો બીજી તરફ ભા.જ.પ. ત્રણેય બેઠકો પર જીત મેળવવા સરળતાથી આંકડો પાર કરી જશે તેમ જણાવી રહયુ છે જાકે કોંગ્રેસના વધુ ધારાસભ્યો રાજીનામા આપે તો તેના બીજા ઉમેદવાર માટે જીતનો આંકડો મેળવવો લોઢાના ચણા ચાવવા જેટલો મુશ્કેલ હશે. એક તબક્કો એવો આવે તો કદાચ બીજા ઉમેદવારનું ઉમેદવારીપત્રક પાછુ ખેંચવામાં આવે તેમ માનવામાં આવી રહયુ છે.
કોંગ્રેસ રાજકીય રીતે પોતાની ઈજજત બચાવવા બીજા ઉમેદવારનું ફોર્મ પાછુ ખેંચે તેવો એક તર્ક વ્યકત થઈ રહયો છે જાકે આ બધાની વચ્ચે ડાંગના એક વધુ ધારાસભ્ય મંગળ ગામીતે રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. હજુ પણ વધારે રાજીનામા પડે તેમ મનાય છે બીજા કેટલાક ધારાસભ્યો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાના અહેવાલો મળી રહયા છે તેથી જ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ધારાસભ્યોના સંપર્ક સાધવા તમામ પ્રયાસો થઈ રહયા છે.