રાજેન્દ્રકુમાર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને નારી ગૌરવ દિવસની થયેલી ઉજવણી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ નગરપાલિકા અને જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુકત ઉપક્રમે નારી ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રકુમાર ત્રિવેદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
નારી ગૌરવ દિવસે નિમિત્તે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત સખીમંડળની બહેનોને ભરૂચ જિલ્લાની ચાર નગરપાલિકાના ૧૦૦ અને ગ્રામ્ય વિસ્તારની ૩૫૦ સખીમંડળોને રૂ.૪૫૦ લાખની લોન સહાય આપવામાં આવી હતી.જે પૈકી મુખ્ય સ્ટેજ પરથી અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી
અને મહાનુભાવોના હસ્તે ૨૦ સખીમંડળોને ચેક તથા લોનના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત વહાલી દિકરી યોજનાના ત્રણ લાભાર્થીઓને પણ મંજૂરીપત્રો એનાયત કરાયા હતા.
રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ ઉપસ્થિત બહેનોને નારી ગૌરવ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, નારીનું ગૌરવ એ
આ દેશની પરંપરા છે, જયાં સ્ત્રીની પૂજા થાય છે ત્યાં દેવતા પણ હાજરાહજુર હોય છે. સ્ત્રી એક ઘરની લક્ષ્મી છે તેમ જણાવી નારી ગૌરવની ગાથા વર્ણવી હતી.સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું યોગદાન અને સમર્પણ નોંધપાત્ર છે. જ્યાં મહિલા સશક્ત હોય ત્યાં બાળક, કુટુંબ અને સમાજ આપમેળે જ સશક્ત બને છે તેમ જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના વિશ્વફલક પર ગુજરાતને ઉજાગર કરતા કામોની માહિતી આપી વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રકુમાર ત્રિવેદીએ રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં થયેલા કામો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, તેમના શાસનમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવી રહી છે,
મહિલાઓ માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, ગૌ હત્યા નાબૂદી કાયદો, આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો, રૂપિયા ૮૨૫ કરોડની વીજ બિલમાં રાહત, વહાલી દિકરી યોજના, ગંગાસ્વરૂપ માતાઓના પેન્શનમાં વઘારો, પુન: લગ્ન કરનાર વિધવા મહિલા સહાય, નારી અદાલતો, ૧૦ લાખ વિધાર્થીઓને ટેબ્લેટ, ૭૫૦૦ એક્કર જમીન સાંઢણી જમીન અનુસૂચિત જાતિને આપી, અબોલા પશુઓ માટે ૪૩૦ ફરતા દવાખાના, ૧૭ લાખ યુવાનોને રોજગાર-સ્વરોજગારી, ૧૭૦૦ ધન્વનંતરી રથ જેવા વિવિધ કાર્યોની વિસ્તૃત માહિતી લોકોને આપી હતી.
નારી ગૌરવ માટે રાજ્ય સરકાર સંવેદનશીલ હોવાનું જણાવી અધ્યક્ષે સંવેદનશીલ સરકારના ખુબ જ મહત્વકાંક્ષી એવી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના લાગું કરીને મહિલાઓના આર્થિક સશક્તિકરણ દ્વારા વિકાસની પ્રક્રિયામાં મહિલાઓની ભાગેદારી વધારીને ગુજરાતને દેશનું રોલ મોડેલ બનાવવા મક્કમતાથી પ્રયાસો હાથ ધર્યા છે. મુખ્યમંત્રી યોજનાનો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની લી(GLPC) દ્વારા અને શહેરી વિસ્તારના ગુજરાત અર્બન લાઈવલી હુડ મિશન(GULM) દ્વારા કરવામાં આવે છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિગ અને સેવિંગ જુથની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગૃપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજના અંતર્ગત મહિલાઓને ઝીરો ટકાના વ્યાજે રાજ્ય સરકાર દ્વારા ૧૦ લાખ મહિલાઓને રૂ.૧૦૦૦ કરોડની લોક સહાય આપવાનો નિર્ધાર કર્યો છે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર ડૉ.એમ.ડી.મોડિયા,જીલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી,જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક,પ્રાંત અધિકારી પ્રજાપતિ,આગેવાનો,પદાધિકારીઓ અને મહિલા લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.