રાજેન્દ્રનગર ચોકડી નજીકથી પલ્સર બાઈક સાથે બે પિસ્તોલ અને ૬ જીવતા કારતુસ સાથે ૨ શખ્શોને દબોચ્યા
મોડાસા: ગુજરાતની ખાલી પડેલી ૬ વિધાનસભા બેઠક પર મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે તેના ગણતરીના કલાકો પહેલા અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર આવેલી રાજેન્દ્રનગર ચોકડી નજીક રવિવારે બપોરે બાતમીના આધારે મોડાસા રૂરલ પોલીસે શામળાજી તરફથી પલ્સર બાઈક સાથે પસાર થતા બે શખ્શોને બે દેશી બનાવટની પિસ્તોલ અને ૬ જીવતા કારતુસ સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એસ.વાઘેલા અને તેમની ટીમે રાજેન્દ્રનગર ચોકડી નજીકથી શામળાજી તરફથી આવતા પલ્સર બાઈક પરથી બે શખ્શોને બે દેશી પિસ્તોલ અને ૬ જીવતા કારતુસ સાથે ઝડપી પાડી બંને યુવકો હથિયારો વડે કોઈ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપવાના હતા કે હથિયાર અને કારતુસ કોઈને વેચવા માટે લાવ્યા હતા વગેરે વધુ પૂછપરછ ચલાવી છે તેમજ આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી છે.
રવિવારે, મોડાસા રૂરલ પોલીસે શામળાજી-હિંમતનગર હાઈવે પાર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું પોલીસને શામળાજી તરફથી બે શખ્શો દેશી પિસ્તોલ સાથે બાઈક લઈ આવી રહ્યાની બાતમી મળતા પોલીસે રોડ પર બેરિકેડ ગોઠવી દઈ સતર્ક બની હતી
બાતમી આધારિત પલ્સર બાઈક શામળાજી તરફથી આવતા પોલીસે પલ્સર બાઈક (ગાડી.નં-MP 07 ND 8409 ) ને કોર્ડન કરી અટકાવી તલાસી લેતા બિરેનસિંગ દેવલાલ સુખવાસી જાટવ (રહે,૧૫ દુષ્યન્તનગર, ઠાંટીપુર પો.સ્ટેશન પાછળ, ગ્વાલિયર, એમ.પી) અને રવિકુમાર પીરભુકુમાર જાટવ (રહે,આનંદ નગર, ઠાંટીપુર, ગ્વાલિયર, એમ.પી) બંન્ને શખ્શોને પેન્ટના ખિસ્સા માંથી દેશી બનાવટની પિસ્તોલ નંગ-૨ કીં.રૂ.૧૦૦૦૦/- તથા ૬ જીવતા કારતુસ કીં.રૂ.૬૦૦/-, મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૨૦૦૦/- તથા પલ્સર બાઈક કીં.રૂ.૧૦૦૦૦૦/- કુલ.રૂ.૧૧૨૬૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી મોડાસા રૂરલ પોલીસે બંને શખ્શો વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ ૨૫ (૧-બી) એ તથા ઇપીકો કલમ-૧૧૪ અને જીપીએકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી