રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમવાર રૂપિયા ૩૦૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ આ સરકારે જાહેર કર્યું : કૃષિમંત્રી

કૃષિમંત્રી શ્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સંદર્ભે ખેડૂતોને સહાયરૂપ થવા-આંસુ લૂછવાનું કામ અમારી સરકારે કરીને ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ૩૦૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે અને સહાય ચૂકવી દેવાઈ છે.
આજે વિધાનસભા ખાતે છોટાઉદેપુર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ ખેતી પાકોના નુકસાનના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યું કે, જુલાઈથી ઓકટોબર માસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ થયો છે અને ખેતીના પાકોને નુકસાન થયુ છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આ પેકેજ જાહેર કર્યું છે.
આ પેકેજ હેઠળ રાજ્યના ૨૫૧ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓને આવરી લેવાયા છે. આ પેકેજમાં ૧૨૫ તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ થયો હતો જેમાં પ્રતિ હેક્ટરદીઠ રૂપિયા ૬૮૦૦ સહાય બે હેકટરની મર્યાદામાં, ૪૨ તાલુકાઓ એવા હતા કે જ્યાં એક ઈંચથી ઓછો વરસાદ થયો હતો જેમાં પ્રતિ ખેડૂત દીઠ રૂપિયા ૪,૦૦૦ તથા ૮૧ તાલુકાઓમાં તમામ ખેડૂતોને રૂ.૪,૦૦૦ ચૂકવવાનો નિર્ણય આ પેકેજ હેઠળ કરીને નાણાં ઓન લાઇન પદ્ધતિ થકી ખેડૂતોના ખાતામાં સીધે સીધા પારદર્શિતાથી ચૂકવવામાં આવી રહ્યાં છે.
મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યું કે, છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ૨૪૬૧ ખેડૂતોએ અરજી કરી હતી અને એસ.ડી.આર.એફ.ના ધારાધોરણ મુજબ ચુકવણું કરાયું છે જેમાં ૧૩૦૯ ખેડૂતોને રૂ ૫૭.૯૦ કરોડનું ચુકવણું કરી દેવાયું છે. જ્યારે ૧૧૫૨ અરજીઓ એવી હતી કે જેનું ડુપ્લિકેશન થયું હોવાથી ચકાસણીની પ્રક્રિયા ચાલું છે જે પૂર્ણ થયેલ સહાય સત્વરે ચૂકવી દેવાશે.
મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યું કે, ભાવનગર અને બોટાદ જિલ્લામાં કમોસમી અને અતિવૃષ્ટિથી અસર પામેલા ૨,૭૫,૨૪૩ ખેડૂતોએ અરજી કરી હતી તે પૈકી ૧,૯૭,૫૩૦ ખેડૂતોને સહાય મળવાપાત્ર હતી તે તમામ ખેડૂતોને રૂ.૧૩૨.૨૮ કરોડની સહાય ચૂકવી દેવાઈ છે.