રાજ્યના ખેડૂતો પાસેથી ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી કરાશે : કૃષિમંત્રી
કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે ત્યારે ટેકાના ભાવે ખેતી પાકોની ખરીદીના ભાવોમાં પણ ઉતરોતર વધારો કરીને ખરીદી પ્રક્રિયા શરૂ કરાઇ છે. રાજ્યમાં મગફળી ઉપરાંત ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે.
આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ ખેતપેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાયા બાદ લેવાયેલા નિર્ણયની વિગતો આપતા મંત્રીશ્રી ફળદુએ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોમાં ખેડૂતોની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે મુજબ ખરીફ પાકોમાં મગફળીની ખરીદી માટે ૧૩,૬૬,૦૦૦ મેટ્રિક ટન ખરીદવા માટે દરખાસ્ત કરાઈ હતી. રાજ્યમાં ડાંગરની ટેકાના ભાવે ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ. ૧૮૬૮/-ના ભાવે, મકાઇ રૂા.૧૮૫૦/-ના ભાવે, બાજરી રૂ.૨૧૫૦/-ના ભાવે, મગ રૂ. ૭૧૯૬/-ના ભાવે, અડદ રૂ.૬,૦૦૦/- અને સોયાબીનની રૂ. ૩૮૮૦/- પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી કરવામાં આવશે.
આગામી દિવસોમાં આ ખરીદી માટે નાફેડના સંકલનમાં રહીને ગુજરાત અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ઘડી કાઢીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, ચાલુ વર્ષે રાજ્યમાં વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે એ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂ. ૩૭૦૦/- કરોડનું આર્થિક પેકેજની જાહેરાત કરી છે અને સહાય ચૂકવવાનું શરૂ કરી દેવાયું છે.
અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ ડાંગર, મકાઇ, બાજરી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેના કાર્યક્રમની વિગતો આપતા કહ્યું કે, રાજ્યમાં ડાંગર માટે ૯૨ ખરીદ કેન્દ્રો, મકાઈ માટે ૬૧ કેન્દ્ર, બાજરી માટે ૫૭ કેન્દ્ર, મગ માટે ૭૧ કેન્દ્ર, અડદ માટે ૮૦ કેન્દ્ર અને સોયાબીન માટે ૬૦ કેન્દ્ર કાર્યરત કરીને ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.
શ્રી રાદડિયાએ ઉમેર્યું કે ડાંગર, મકાઇ અને બાજરી માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તારીખ ૧લી ઓક્ટોબર ૨૦૨૦થી શરૂ કરી દેવામાં આવી છે. જે તા. ૨૯મી ઓક્ટોબર-૨૦૨૦ સુધી ચાલશે. ખેડૂતો માર્કેટીંગ યાર્ડના સેન્ટરો પરથી નોંધણી કરી શકશે. ખરીદી પ્રક્રિયા તા. ૧૬મી ઓકટોબર-૨૦૨૦થી તા. ૩૧મી ડિસેમ્બર-૨૦૨૦ સુધી ચાલશે. જ્યારે મગ, અડદ અને સોયાબીન માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. ૧૨મી ઓક્ટોબર-૨૦૨૦થી શરૂ થશે જે તા. ૩૧મી ઓક્ટોબર-૨૦૨૦ સુધી ગ્રામ્યકક્ષાએ થશે અને એની ખરીદી પ્રક્રિયા તા. ૨જી નવેમ્બર-૨૦૨૦ થી તા.30 જાન્યુઆરી-૨૦૨૧ સુધી ચાલશે એમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતુ કે, નોંધણી માટે ખેડુતે આધાર કાર્ડની નકલ/આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અધ્યતન ૭-૧૨, ૮-અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નં.૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે આઇ.એફ.એસ.સી કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સહિતના જરૂરી પુરાવા સાથે લઈ જવાના રહેશે.
ખેડુતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે જેથી ખેડુતોનો જથ્થો અસ્વિકૃત ન થાય.
રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૦ લાખ જેટલા ખેડૂતોએ મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. આ પ્રક્રિયા આગામી તા.૨૦મી ઓકટોબર સુધી ચાલશે. મગફળીનું વાવેતર કરતા તમામ ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સતત મોનિટરિંગ કરીને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે એટલે એક પણ ખેડૂત બાકી ન રહી જાય તે માટે સંપૂર્ણ તકેદારી રાજ્ય સરકાર રાખશે તેમ તેમણે ઉમેર્યું હતું.
રજીસ્ટ્રેશન બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવા ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમ દ્વારા જણાવાયુ છે.