રાજ્યના ચોમાસું એક્ટિવ થતાં ૯૯ તાલુકામાં વરસાદ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રવિવારની સવારે વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૯૯ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સાથે જ ગુજરાતમાં ચોમાસું ફરીથી એક્ટિવ થયું છે.
આ સાથે જ સૌથી વધુ વરસાદ વલસાડ અને વાપીમાં સવા નવ ઇંચ નોંધાયો છે. જ્યારે સુરતના કામરેજ, બારડોલી અને પલસાણામાં ૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. તો આ તરફ સુરત શહેરમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
સુરતના વલસાડ અને મહુવા તાલુકા અને વાપીના દોલવણ તેમજ નવસારીના જલાલપુરમાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં વરસાદ પડ્યો છે. સુરત, વલસાડ, નવસારીમાં વરસાદનું આગમન થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.
વરસાદ આવતા જ વાતાવરણમાં બફારો ઓછો થયો છે. સાથે જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ચાર તાલુકામાં ૮ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના ૨૦ તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તો આ તરફ ૩૦ તાલુકામાં ૨ ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના ૪૩ તાલુકામાં ૧ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આજે સવારે ૬ થી ૮ દરમિયાન ૧૯ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે.