રાજ્યના ધમધમતા સાપુતારામાં કોરોનાથી સન્નાટો છવાયો
વર્ષથી ખોટ કરતા નાના મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે
સાપુતારા, કોરોના વાયરસના વધતા કહેરથી પ્રવાસીઓથી ધમધમતા ગિરિમથક સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો છે. રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જાેવા મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષથી ખોટ કરતા નાના મોટા વેપારીઓ હવે કોરોનાની બીજી લહેરમાં વેપાર ધંધા બંધ કરવાની તૈયારી કરી રહ્યા છે.
કોરોનાની બીજી લહેર માનવ જીવન માટે ખુબજ ઘાતક સાબિત થઈ રહી છે. જેને જાેતા ફરી એકવાર સ્વૈચ્છીક લૉકડાઉન કરવાની ફરજ પડી છે. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સ્વૈચ્છીક લૉકડાઉનને પગલે લોકો હવે જાગૃત બન્યા છે અને કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવા સમયે રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં દિવસે પણ કરફ્યુ જેવો માહોલ જાેવા મળી રહ્યો છે.
સાપુતારામાં જ્યાં દિવસ રાત પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે તેવા મહારાષ્ટ્રને અડીને આવેલા આ બોર્ડરવાળા સ્થળે છેલ્લા કેટલાક દિવસથી સન્નાટો છવાયો છે. બોટિંગ, પેરાગલાઇડિંગના સ્થળો સાથે અન્ય સ્થળો ખંડેર જેવા લાગી રહ્યા છે. તળાવમાં ઉભેલી નાવડીઓમાં કરોળિયાના જાળા લાગવા માંડ્યા છે. ચા-નાસ્તાની લારી ચાલવી રોજગારી મેળવતા લોકોનો દિવસ ગ્રાહકોની રાહજાેવામાં પૂરો થાય છે.
જ્યા પાર્કિંગ માટે જગ્યા મળતી ન હોય તેવા પાર્કિંગ સ્થળો રમતના મેદાન જેવા લાગે છે. લોકોની હસી મજાક વચ્ચે ગુંજતા હોટલોના ડાઇનિંગ હોલમાં પિન-ડ્રોપ સાઈલન્સ જાેવા મળે છે. છેલ્લા એક વર્ષથી કારોડો રૂપિયાની ખોટ ખાઈને બેઠેલા નાની મોટી હોટેલોના માલિકો હવે આ કોરોનાની બીજી લહેર આવતા હોટેલ ઉદ્યોગમાં કેવી રીતે ટકી રહેવુ એની ચિંતામાં છે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા સાપુતારાને વિકસાવવા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ પોઇન્ટ્સ બનાવ્યા છે, અહિયાં પ્રવાસીઓ આવે એના માટે અનેક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે લોકોને રોજીરોટી પણ મળી રહે છે. જાેકે, હાલ ચાલતા કોરોના કાળને કારણે પ્રવાસીઓથી ઉભરાતા સાપુતારામાં સન્નાટો વ્યાપી ગયો છે.