Western Times News

Gujarati News

રાજ્યના નર્મદા આધારિત પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે : નીતિનભાઇ પટેલ

File photo

ખેડૂતોને સિંચાઇ માટે જરૂરિયાત મુજબ પાણી આપવાનું નક્કર આયોજન

  • ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માઇનોર-સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા
    રૂા. ૨૭૪૪.૨૬ કરોડ ફાળવાયા
  • ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસીત કરવા માટે ભૂગર્ભ પાઇપ લાઇન માટે રૂા.૧૦૦૪.૩૧ કરોડની જોગવાઇ : માર્ચ-૧૯ સુધી ૨૯,૨૩૧ કિ.મી. પ્ર-પ્રશાખા પાઇપલાઇનની કામગીરી પૂર્ણ
  • ‘‘હર ખેત કો પાની’’ યોજના હેઠળ રૂા.૧૫૧૧ કરોડની કેન્દ્રીય સહાય તથા લોન્ગટર્મ ઇરીગેશન ફંડ હેઠળ રૂા.૮૯૭.૭૬ કરોડની લોન મળશે
  • રાજ્યના ૮,૯૯૧ ગામ, ૧૬૫ શહેરોને ઘરવપરાશનું પાણી તથા વડોદરા-અમદાવાદ મહાનગરપાલિકા અને ભરૂચ-કપડવંજ થરાદ નગરપાલિકાને પાણી પુરૂ પડાય છે
  • સરદાર સરોવર યોજના થકી ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેકટરમાં સિંચાઇની જોગવાઇ
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટ માટે રૂ.૩૭ કરોડ : ગરૂડેશ્વર વીયર માટે રૂ.૨૪૭ કરોડની જોગવાઇ
  • નર્મદા યોજનાનું અંદાજપત્ર ઐતિહાસિક પરંપરા મુજબ વિધાનસભામાં સર્વાનુમતે પસાર

નાયબ મુખ્યમંત્રીશ્રી અને નર્મદા મંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની જીવાદોરી સમાન નર્મદા યોજનાને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રાર્પણ કરી છે ત્યારે આ યોજના થકી રાજ્યના નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે તથા ખેડૂતોને જરૂર મુજબ સિંચાઇ માટે પાણી પુરુ પાડવા માટે અમારી સરકારે નક્કર આયોજન કર્યુ છે. આ માટે આ વર્ષે રૂા.૬,૯૪૫ કરોડની અંદાજપત્રમાં જોગવાઇ કરી છે.

ગુજરાત વિધાનસભા ખાતે નર્મદા વિભાગની માંગણીઓ રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રી  શ્રી નીતિનભાઇ પટેલે ઉમેર્યુ કે, ખેડૂતોના ખેતર સુધી સિંચાઇ માટે પાણી પહોંચાડવા માટે માઇનોર અને સબમાઇનોર કેનાલનું નેટવર્ક ગોઠવવા માટે રૂા.૨૭૪૪.૨૬ કરોડની જોગવાઇ કરી છે. જેમાં માઇનોર સુધીની નહેરોના બાંધકામ માટે રૂા.૧૭૩૯.૩૫ કરોડ અપાશે જેમાંથી વધારાના ૧.૧૩ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા ઉત્પન્ન થશે.

સહભાગી સિંચાઇ યોજના અન્વયે ખેડૂતોની જમીન સંપાદન કર્યા વિના ૧.૮૮ લાખ હેક્ટર પિયત વિસ્તાર વિકસિત કરવા માટે ભૂગર્ભ પાઇપ લાઇનથી સબમાઇનોરની કામગીરી માટે રૂા.૧૦૦૪.૩૧ કરોડની જોગવાઇ કરી છે. માર્ચ-૨૦૧૯ સુધીમાં ૨૯,૨૩૧ કિ.મી. લંબાઇમાં ભૂગર્ભ પાઇપલાઇન થી પ્રશાખાની કામગીરી પૂર્ણ કરી  દેવાઇ છે.  આ નવી નીતિના પરિણામે જૂન-૨૦૧૯ સુધીમાં ૧૧.૧૮ લાખ હેક્ટર પિયત વિસ્તારને આવરી લેવા ૨૯,૩૬૦ કિ.મી. લંબાઇમાં ભૂગર્ભ પાઇપલાઇનથી પ્ર-પ્રશાખાના કામો પૂર્ણ કરાયા છે.

સાથે સાથે નર્મદા ભરૂચ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં પણ જે સબમાઇનોરમાં તૂટફાટ થઇ છે એવી ૭૪૪૬ કિ.મી. લંબાઇની સબમાઇનોરની જગ્યાએ ભૂગર્ભ પાઇપલાઇન દ્વારા રૂા.૯૦૭.૩૫ કરોડના ખર્ચે કામગીરી હાથ ધરાઇ હતી તે પૈકી રૂા.૭૪૧.૩૮ કરોડના કામો પૂર્ણ કરાયા છે તેમ તેમણે ઉમેર્યુ છે.

તેમણે કહ્યું કે, ચાલુ વર્ષના અંદાજપત્રમાં જે મુખ્ય જોગવાઇઓ કરી છે એમાં જમીન સંપાદન માટે રૂા.૫૦૦ કરોડ, ગરૂડેશ્વર વિયર, ગોરાબ્રિજના બાંધકામ તથા પાવરહાઉસ જાળવણી માટે રૂા.૨૪૭.૪૪ કરોડ, નર્મદા મુખ્ય નહેર પર વધારાના સ્ટ્રક્ચર તથા કેનાલ ઓટોમેશન કામગીરી માટે રૂા.૩૭૧.૪૧ કરોડ, કચ્છ શાખા નહેરના ત્રણ પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી માટે રૂા.૩૧૬.૩૨ કરોડ, વિવિધ શાખા નહેરો પર નાના વીજ મથકો સ્થાપવા માટે રૂા.૧૫૨.૫૫ કરોડ, સૌરાષ્ટ્ર શાખા નહેરના પાંચ પંપીંગ સ્ટેશનના વિસ્તરણની કામગીરી માટે રૂા.૯૧ કરોડ,મુખ્ય બંધના આનુસાંગિક કામો પુનઃવસન તથા પર્યાવરણીય કામગીરી માટે રૂા.૭૫.૧૧ કરોડ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માટે રૂા.૩૭ કરોડની જોગવાઇ કરાઇ છે.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યની આ મહત્વની યોજનાને પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના હેઠળ મળતી કેન્દ્રીય સહાય ઉપરાંત દેશની અગ્રીમતાના ધોરણે પૂરી કરવા માટેની ૯૯ યોજનામાં સમાવેશ થતા રાજ્ય સરકારના હિસ્સાની રકમ લોન્ગ ટર્મ ઇરીગેશન ફંડની રૂા.૮૯૭.૯૬ કરોડ લોન પણ મળનાર છે. ‘‘હર ખેત કો પાની’’ યોજના હેઠળ આ વર્ષે નર્મદા યોજના માટે રૂા.૧૫૧૧ કરોડની કેન્દ્રીય સહાય પણ મળશે.

શ્રી પટેલે ઉમેર્યુ કે નર્મદા યોજના દ્વારા નાગરિકોને પીવાના પાણી પુરૂ પાડવા માટે છેલ્લા બે વર્ષમાં જલ વર્ષના સાડા સાત મહિના સુધી કોઇપણ કાપ વિના પૂરુ પડાયુ છે અને આવનારા સમયમાં પણ પીવાના પાણીની કોઇ તકલીફ નહી પડે, ગઇ સાલ જેટલું પાણી કરતાં જરૂર પડશે તો તેનાથી પણ વધુ પાણી આપવા અમારુ નક્કર આયોજન છે. તેમણે નાગરિકોને પાણીનો વેડફાટ ન કરવા અને પાણી બચાવવા પણ અપીલ કરી છે.

યોજના દ્વારા રાજ્યના ૮૯૧૧ ગામો અને ૧૬૫ શહેરોને ઘરવપરાશ માટે પાણી પૂરુ પાડવામાં આવી રહ્યું છે આ ઉપરાંત વડોદરા અને અમદાવાદ મહાનગર પાલિકા તથા ભરૂચ-કપડવંજ તથા થરાદ નગરપાલિકાને સીધુ પાણી પહોંચાડવામાં આવે છે. શ્રી પટેલે ઉમેર્યુ કે છેલ્લા બે વર્ષમાં ચોમાસું નબળું હોવાના કારણે ગુજરાતના ફાળે ઓછું પાણી ઉપલબ્ધ થવા છતાં બંને વર્ષોમાં ખેડૂતોની જરૂરિયાત મુજબ ખરીફ અને રવિ સિઝનમાં સિંચાઇ માટે પાણી પૂરુ પડાયુ છે.

વિકસીત થયેલ પિયત વિસ્તારની સામે ઓછી થયેલ સિંચાઇ વિસ્તાર અંગે સ્પષ્ટતા કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, સરદાર સરોવર યોજના થકી કુલ ૧૮.૪૫ લાખ હેક્ટર પિયત વિસ્તારમાં વાર્ષિક ૧૭.૯૨ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇની જોગવાઇ ઉપલબ્ધ કરાઇ છે. જૂન-૧૮ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરીને ૧૬.૧૧ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે.

નર્મદા પિયત વિસ્તારમાં પાણીની ઉપલબ્ધતાના આધારે ખેડૂતોની માંગણી મુજબ સિંચાઇનું પાણી પુરૂ પાડવમાં આવે છે. માર્ચ-૨૦૧૯ સુધીમાં પ્રશાખા નહેરો સુધીના કામો પૂર્ણ કરી ૧૬.૩૮ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇ ક્ષમતા વિકસીત થઇ છે. એ જ રીતે વર્ષ ૨૦૧૮-૧૯માં ૧૦.૬૭ લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ ખેડૂતોએ લીધો છે. રાજ્ય સરકારની હકારાત્મક નીતિ અને નક્કર આયોજનના પરિણામે સિંચાઇ વિસ્તારમાં ઉત્તરોત્તર વધારો થયો છે.

આમ નર્મદા યોજના થકી નાગરિકો-ખેડૂતોને પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવા રાજ્ય સરકાર અત્યંત પ્રયત્નશીલ છે જેના પરિણામો પણ મળ્યા છે. નર્મદા વિભાગની આ ઐતિહાસિક માંગણીઓ પરંપરા મુજબ સર્વાનુમતે પસાર થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.