રાજ્યના નાણા,ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સાથે બેઠક યોજી.

(વિરલ રાણા) ભરૂચ,રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ આજે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એસોસીએશન સાથે બેઠક યોજી હતી.જેમાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉદ્યોગોને લગતા નાના મોટા પ્રશ્નોનો ઉકેલ કરવામાં આવશે એવી હૈયાધારણ આપતા જણાવ્યું કે ગુજરાતમાં ઉધોગો અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે.
ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે દરરોજ ૧૭ હજાર મેગાવોટ વીજળીનો વપરાશ થતો હતો જે વધીને હવે દરરોજ ૨૦ હજાર મેગાવોટ સુધી પહોંચ્યો છે.તેમ છતાં સરકારના સર્વગ્રાહી આયોજનને પરિણામે ઉદ્યોગો અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી આપવામાં આવી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાત જ ઉદ્યોગો અને ખેડૂતોને સૌથી વધુ વીજળી પૂરી પાડે છે,તેમ જણાવતા મંત્રીએ ઉમેર્યું કે વીજ ઉત્પાદન માટે ગુજરાતે ગેસ, કોલસા આધારિત વીજ ઉત્પાદન સાથે વિન્ડ અને સુર્ય ઊર્જાના પ્રકલ્પો પણ ઊભા કર્યા છે.
ગુજરાત ઔધોગિક ઉત્પાદનનોમાં અગ્રેસર છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ચાર ટ્રિલિયન ડોલર ઔધોગિક ઉત્પાદનના નિકાસનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.જેમાં ૨૫ ટકા ફાળો ગુજરાતનો રહ્યો છે. વિવિધ વિભાગોના અલગ અલગ પરિપત્રોને કારણે ઉધોગોગૃહોને પડતી મુશ્કેલીઓ નિવારવા સરળીકરણ માટે એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત વિકાસની નવી ઊંચાઈ હાંસલ કરે તે માટે સરકાર સૌને સાથે લઈને કામગીરી કરી રહી છે ત્યારે આપણે સૌ સાથે મળીને ગુજરાતને આગળ વધારીશું તેમ જણાવ્યું હતું.એ.આઈ.એ.ના ભૂતપૂર્વ પ્રમુખ એન.કે.નાવડીયા સહિત અન્ય ઉદ્યોગકારોએ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનને સ્પર્શતા વિવિધ પ્રશ્નો જેમાં નોટીફાઈડ એરિયાના વિવિધ પ્રશ્નો,જી.ઈ.બી.ના પ્રશ્નો સહિત અન્ય પ્રશ્નો માટે મંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરી હતી.
મંત્રીએ ઉદ્યોગકારોની વેદના – વ્યથા સાંભળી હતી.પ્રારંભે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ગાબાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યાર બાદ અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના હોદ્દેદારો ધ્વારા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કર્યું હતું.ઉપરાંત વિવિધ ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશન દ્વારા પણ મંત્રીનું સન્માન કરાયું હતું.અંતમાં આભારવિધિ એ.આઈ.એના જશુભાઈ ચૌધરીએ કરી હતી.
આ વેળાએ પ્રાંત અધિકારી નૈતિકા પટેલ,જીપીસીબીના અધિકારી ત્રિવેદી, લઘુભારતીના રાષ્ટ્રીય પ્રમુખ બલદેવભાઈ પ્રજાપતિ, ઝઘડીયા ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશનના અશોકભાઈ પંજવાણી,પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશનના પ્રમુખ બી.એસ.પટેલ,દહેજ ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશનના પ્રમુખ એમ.એ.હનીયા, સાઈખા ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશનના સેક્રેટરી પ્રશાંતભાઈ પટેલ,વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશનના શ્રી યોગેશભાઈ, ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશનનું પ્રતિનિધિ મંડળ અને વાપીથી અમદાવાદ સુધીના ઉદ્યોગ મંડળના પ્રતિનિધિઓ,અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસોએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.