રાજ્યના પોલીસ દળમાં એક વર્ષમાં ૧૨ હજાર જવાનોની ભરતી કરાશે
ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે આગામી એક વર્ષ દરમિયાન ગુજરાત રાજ્યના પોલીસ દળમાં ૧૨ હજાર જવાનોની ભરતી કરવામાં આવશે. લીમખેડા અને દેવગઢ બારિયા ખાતે કૂલ રૂ. ૯.૧૭ કરોડના ખર્ચથી બનનારા પોલીસ સ્ટાફ ક્વાર્ટરનું ભૂમિપૂજન કરતા આ પ્રમાણે જણાવ્યું હતું.
લીમખેડા અને દેવગઢ બારિયા ખાતે યોજાયેલી નાની સભાને સંબોધન કરતા શ્રી જાડેજાએ કહ્યું કે, ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કહેતા કે ગુજરાત મારો આત્મા છે તો ભારત મારો પરમાત્મા છે. તે તપસ્વી રાજકર્તા છે. તે એવું ઇચ્છતા હતા કે વિશ્વમાં જે શ્રેષ્ઠ હોય તે ગુજરાતને આપવું છે. હવે, તે દિશામાં વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી આગળ વધી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પોલીસ વિભાગના આધુનિકકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવ્યા છે. ગુજરાતનો જેમ વિકાસ થતો ગયો તેમ પોલીસ તંત્રની જરૂરિયાત બદલાતી ગઇ. વિકાસના વિસ્તાર પ્રમાણે પોલીસ દળમાં નવા જવાનોની જરૂરત ઉભી થતાં છેલ્લા પાંચ જ વર્ષમાં ૫૦ હજાર લોક રક્ષકોની ભરતી કરવામાં આવી છે. પોલીસ તંત્રને માનવ સંસાધન પૂરૂ પાડવા ઉપરાંત ભૌતિક સુવિધાઓમાં પણ વૃદ્ધિ કરવામાં આવી છે.
પોલીસ તંત્રમાં ટેક્નલોજીના સમન્વય અંગે શ્રી જાડેજાએ કહ્યું કે રાજ્યના પોલીસ દળને ઇ-ગુજકોપના માધ્યમથી જોડવામાં આવ્યું છે. ૭૫૦૦ જવાનોને મોબાઇલમાં પોકેટ કોપ આપવામાં આવ્યા છે. જેથી ગુનેગારોની ઝડપથી ઓળખ થઇ શકે, તેના વિશે માહિતી મળી શકે.
તદ્દઉપરાંત, ગુનાખોરીને નશ્યત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બદલ સમયના પરિપેક્ષ્યને ધ્યાને રાખી કાયદાઓમાં બદલાવ કે નવા કાયદાઓના અમલ કરવામાં આવ્યો છે. તેની રૂપરેખા આપતા ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ કહ્યું કે, પાસાના કાયદાને વધુ વિસ્તૃત બનાવી અસામાજિક તત્વોને જ નાખવા કમર કસવામાં આવી છે. હવે, મહિલાઓની છેડતી, સાયબર ક્રાઇમ, વ્યાજખોરી, જુગાર જેવા ગુનાઓને પણ પાસા હેઠળ લાવવામાં આવ્યા છે. ગુંડા ગુજરાત છોડે એ નારા સાથે ગુંડા નાબૂદી કાયદો લાવવામાં આવ્યો છે.
ગરીબોની જમીનનું રક્ષણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ લાગું કર્યો છે. ખોટા દસ્તાવેજો કરી જમીન હડપ કરી જતાં ભૂમાફિયાઓને ૧૦થી ૧૪ વર્ષ સુધી કારાવાસ અને જમીનની જંત્રી જેટલો દંડ કરવાની જોગવાઇ તેમાં કરાઇ છે.
શ્રી જાડેજાએ વર્તમાન સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાની પ્રવૃત્તિ ચાલતી હોવાનું જણાવતા કહ્યું ગુજરાતના ખેડૂતો સમજદાર છે અને તે કોઇની વાતોમાં આવીને ભરમાશે નહીં. ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ છે.
રાજ્યમંત્રી શ્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોની વિશેષ દરકાર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને દાહોદ જિલ્લાની જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કામોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પહેલાની સ્થિતિ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો તો ખ્યાલ આવશે કે હાલની સ્થિત ખૂબ જ સારી છે.
રાજ્ય સરકાર દ્વારા કડાણા અને હાંફેશ્વર યોજનાઓ આપી દાહોદની પીવાના અને સિંચાઇની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. કડાણા સિંચાઇ યોજનાથી દાહોદનું ચિત્ર બદલાઇ જશે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું કે, પહેલા કોઇ સુવિધા જોઇતી હોય તો કાગળો લખવા પડતા હતા. કાગળથી ના પતે તો ઉપવાસ આંદોલનો કરવા પડતા હતા. ત્યારે, નાની સુવિધા મળતી કે નાના કામ થતાં હતા. આજે સરકાર લોકોની જરૂરિયાતને ધ્યાને રાખી વિકાસ કામોનું જાતે જ આયોજન કરે છે.
જિલ્લા પોલીસ અધીક્ષક શ્રી હિતેશ જોયસરે સ્વાગત વિધિ કરતા કહ્યું કે, પોલીસ તંત્રને સારી સુવિધા મળતા જવાનોને રાહત થશે. પોલીસ કલ્યાણ માટે ગૃહ રાજ્યમંત્રીશ્રી સતત પ્રેરણા આપી મનોબળમાં વૃદ્ધિ કરતા રહે છે. અમે પણ રાજ્ય સરકારના નિર્દેશો મુજબ લોકરક્ષાનું કામ સતત કરતા રહેશું. આભાર વિધિ નાયબ પોલીસ અધીક્ષક સુશ્રી કાનન દેસાઇએ કરી હતી.
આ વેળાએ ધારાસભ્ય શ્રી શૈલેષભાઇ ભાભોર, અગ્રણી શ્રી અમિતભાઇ ઠાકર, શ્રી શંકરભાઇ અમલિયાર, શ્રી સુધીરભાઇ લાલપુરવાળા, શ્રી જુવાનસિંગભાઇ પટેલ, શ્રી મુકેશભાઇ, ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ. એસ. ભરાડા સહિત પોલીસ નગરપાલિકા-પંચાયતોના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.