રાજ્યના શ્રમિકોને ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરની ખરીદી પર રૂ.30 હજાર સુધીની સબસિડી મળશે
ગાંધીનગર, શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા 25 ઓક્ટોબરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ અને ગુજરાત મકાન અન્ય બાંધકામ બોર્ડની GO-GREEN યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત સંગઠીત ક્ષેત્રના તથા બાંધકામ શ્રમયોગીઓ દ્વારા બેટરી સંચાલિત ટુ-વ્હિલર વાહનની ખરીદી પર સબસિડી આપવામાં આવશે. જે અંતર્ગત ઈલેક્ટ્રિક ટૂ-વ્હિલરની ખરીદી પર 30 ટકાથી 50 ટકા અથવા રૂ.30,000ની મર્યાદામાં સબસિડી આપવામાં આવશે.
તેમજ RTO ટેક્સ અને રોડ ટેક્સમાં પણ સબસિડી આપવામાં આવશે. આ સબસિડી મેળવવા માટે શ્રમયોગી ઓનલાઈન અરજી કરી શકે તે માટે www.gogreenglwb.gujarat.gov.in પોર્ટલનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ રાજ્યના સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી-શ્રમિકોને પરિવહન માટે ટુ વ્હીલર ઇ-વ્હીકલની ગો-ગ્રીન યોજનાનું લોન્ચિગ કરતાં કહ્યું કે, જ્યારે કલાઈમેટ ચેન્જ વિષય વિશે લોકો ઓછું જાણતા હતા ત્યારે નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણની વિશેષ ચિંતા કરીને ગુજરાતમાં કલાઈમેટ ચેન્જનો અલાયદો વિભાગ શરૂ કર્યો હતો.
આપણે પણ એ જ પગલે ચાલીને પર્યાવરણને ઓછામાં ઓછી હાનિ પહોંચે, વાયુ પ્રદૂષણ અટકે અને શ્રમિકોને વાહન યાતાયાતમાં સરળતા રહે તે માટે ઇ-વ્હીકલનો વ્યાપ વધારવા ગો ગ્રીન જેવી યોજનાઓ શરૂ કરી છે. મુખ્યમંત્રીએ આ અવસરે સંગઠિત અને બાંધકામ ક્ષેત્રના પાંચ જેટલા શ્રમિકોને ઇ-વ્હીકલ ખરીદી માટેની સબસિડીના ચેક પણ અર્પણ કર્યા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાં નવનિયુકત 1300 જેટલા સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્રો અર્પણ કર્યા હતા. ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા આ નવનિયુકત સુપરવાઇઝર-ઇન્સ્ટ્રકટર્સને અભિનંદન પાઠવતા કહ્યું કે, રાજ્યમાં મહત્તમ લોકોને રોજગારી મળે તેવો સરકારનો ધ્યેય છે.
આ કાર્યક્રમ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયો હતો. જેમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજા, સુનિલ સિંધી (ચેરમેન ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ), પંકજકુમાર (મુખ્ય સચિવ) તથા અંજુ શર્મા (અગ્ર સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ) વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.