રાજ્યના સાચા આદિવાસીઓને તેમના હક્કો મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: આદિજાતિ વિકાસ મંત્રી

ગાંધીનગર, આજે ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક યોજાઇ હતી.
આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે રાજ્યના સાચા આદિવાસીઓ તેમના હક્કોથી વંચિત રહેશે નહી તેમ જણાવતા કહ્યુ કે, રાજ્યના સાચા આદિવાસીઓને તેમના હક્કો મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે રાજ્ય સરકાર કાયદાઓ ઘડી અમલી બનાવી રહી છે.
મંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજયના કેટલાંક વ્યક્તિઓએ આદિવાસી હોવાના પ્રમાણપત્રો મેળવ્યા છે તેવી રાજ્ય સરકારને અનેક રજૂઆતો મળી હતી. રાજ્ય સરકાર વર્ષ ૨૦૨૦માં અમલી બનાવેલ કાયદા હેઠળ ચોક્કસ તપાસ કરી યોગ્ય જણાયે સાચા આદિવાસી તરીકેના પ્રમાણપત્ર આપે છે.
આદિવાસી હોવાના પુરાવાની ચકાસણી સંદર્ભે વિશ્લેષણ સમિતિની રચના કરવામાં આવી હતી. વર્તમાન સમયે રાજ્યમાં ઝોન મુજબ ચાર વિશ્લેષણ સમિતિ કાર્યરત છે જે આદિવાસી હોવાના પુરાવાની ચકાસણી કરે છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, ખોટો વ્યક્તિ આદિવાસી હોવાનું પ્રમાણપત્ર લઇ ન જાય અને સાચા આદિવાસીઓને પ્રમાણપત્ર મેળવવામાં તકલીફ ન પડે તે માટે રાજ્યના સંસદસભ્યો અને ધારાસભ્યો સાથે ચર્ચા-વિમર્શ કર્યા બાદ આદિવાસી હિતલક્ષી પગલાં લેવામાં આવે છે.
જે સંદર્ભે અવારનવાર બેઠકો પણ યોજવામાં આવી છે. આ બેઠકમાં રાજ્ય આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર, રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા, આદિજાતિ વિકાસ વિભાગના સચિવ ડૉ. એસ.મુરલિ ક્રિશ્ના, કમિશનર દિલિપ કુમાર રાણા તથા ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.HS