રાજ્યના ૧૬થી વધારે તાલુકામાં મેઘમહેર
ખંભાળિયામાં મેઘતાંડવ, ૯ ઈંચ કરતા વધુ વરસાદ-ભાણવડ તાલુકામાં ૫ ઈંચ વરસાદ ઃ પોરબંદરમાં પણ ભારે વરસાદ
અમદાવાદ, હવામાન વિભાગના મતે નૈઋત્યનું ચોમાસું સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવીને અટકી ગયું છે. જો કે રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના અલગ-અલગ ભાગોમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં આજે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યાં છે.
ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી આૅપરેશન સેન્ટર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે વહેલી સવારે ૬ વાગ્યાથી સાંજના ૪ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ સવા ૯ ઈંચ વરસાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં નોંધાયો છે. ખાસ વાત એ છે કે, બપોરે ૨ થી ૪ વાગ્યાના બે કલાક દરમિયાન સવા પાંચ ઈંચ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે વરસાદના પગલે ખંભાળિયાના અનેક નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે. જ્યારે અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.
ખંભાળિયા ઉપરાંત જિલ્લાના ભાણવડ તાલુકામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય પોરબંદર તાલુકામાં અઢી ઈંચ, રાણાવાવ તાલુકામાં દોઢ ઈંચ, ભાવનગરના ગારિયાધારમાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે. ગઈકાલે પણ ગુજરાતના ૨૭ જેટલા તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના મતે આગામી ૧૮ જૂન સુધી ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. જો કે ૧૯ જૂન બાદ સૌરાષ્ટ્રમાં વરસાદનો જોર વધી શકે છે.
આજે સવારે ૬ વાગ્યાથી બપોરે ૪ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૬ તાલુકામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ખંભાળિયામાં ૭.૩ ઇંચ, પોરબંદરમાં ૨.૫ ઇંચ, ભાણવડમાં ૨.૧ ઇંચ, રાણાવાવમાં ૧.૪ ઇંચ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત ગારિયાધારમાં ૧૯ મિ.મી., ધરમપુરમાં ૧૫ મિ.મી., માંગરોળમાં ૧૨ મિ.મી., લિલિયામાં ૧૧ મિ.મી., પાલિતાણામાં ૧૦ મિ.મી. વરસાદ વરસ્યો છે.