Western Times News

Gujarati News

રાજ્યના ૪૩ લાખ લાભાર્થીઓને વર્ષમાં બે વાર રાંધણગેસ સિલિન્ડરનું વિના મૂલ્યે રિફિલિંગ

AI Image

જરૂરિયાતમંદને ખોરાક અને પોષણ સુરક્ષા એ અમારી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા

NFSA હેઠળ ગુજરાતના ૭૫ લાખ કુટુંબોના ૩૭૦ લાખથી વધુ નાગરિકોને આવરી લેવાયા: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

Ø  મિલેટને વધુ પ્રોત્સાહન આપવા માટે બાજરી,જુવાર,રાગીની ખરીદી પર ખેડૂતોને રૂ.૩૦૦ પ્રતિ ક્વિન્ટલનું બોનસ જાહેર

Ø  ટેકનોલોજીના ઉપયોગ થકી વિતરણ વ્યવસ્થા વધુ સરળ બનાવવાની ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ રૂ. ૧.૫૫ કરોડની જોગવાઈ કરાઈ

Ø  અન્નપૂર્તી‘ માટે ઓટોમેટીક ગ્રેઈન ડિસ્પેન્સિંગ મશીન-અનાજના ATM બે જિલ્લાના ઔધોગિક વિસ્તારમાં શરૂ કરાશે

Ø  ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા કુલ ૪,૩૭૩ ફરિયાદોનું મધ્યસ્થી કરીને નિવારણ કરાયું

Ø  લોક અદાલતો થકી ૧,૪૫૭ કેસનો સમાધાનથી નિકાલ કરાયો

અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતના વિભાગની રૂ.૨,૦૭૬ કરોડની અંદાજપત્રીય માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

રાજ્યમાં અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોનાં વિભાગ માટે અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચામાં વિધાનસભા ગૃહમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ

બાવળિયાએ જણાવ્યું હતું કે,’દેશમાં કોઈ પણ નાગરિક ભૂખ્યો ન રહે, કે ભૂખ્યો ન સુવે’,તે માટે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કોરોના સમયે વિનામૂલ્યે અનાજ મળી રહે, તેવા શુભ હેતુથી  ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ શરૂ કરવામાં આવી હતી. જેને લંબાવીને આગામી પાંચ વર્ષ માટે એટલે કે ડિસેમ્બર-૨૦૨૮ સુધી ચાલુ રાખવાનો ગરીબ કલ્યાણલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.

 અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે,મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં સક્ષમ નેતૃત્વ હેઠળ અવિરત કામ કરતી ગુજરાત સરકાર માટે જરૂરીયાતમંદોની ખાદ્ય સુરક્ષા અને પોષણ સુરક્ષા એ રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. નેશનલ ફૂડ સિક્યોરીટી એક્ટ હેઠળ રાજ્યની કુલ ૩૮૨.૮૪ લાખની વસ્તીને કાયદામાં આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે. પાત્રતા ધરાવતા હોય, પરંતુ NFSAના કાયદાના લાભથી વંચિત રહી ગયેલ, લાભાર્થીઓને સમાવવા માટે અન્ન,નાગરિક પુરવઠા વિભાગના ઓગસ્ટ ૨૦૨૪ના ઠરાવથી કુટુંબની માસિક આવક મર્યાદા રૂ.૧૫,૦૦૦/- થી વધારીને રૂ. ૨૦,૦૦૦/- કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ડિસેમ્‍બર-૨૦૨૪ની સ્થિતિએ અંદાજે કુલ- ૭૫ લાખ કુટુંબોની કુલ- ૩૭૦.૪૫ લાખ વસ્તીને NFSA હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. કુટુંબોને અન્ન વિતરણ કરવા માટે રૂ. ૬,૭૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે,રાજ્યમાં ગંગા સ્વરૂપા વિધવા બહેનો, વયોવૃદ્ધ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓ કે જેઓ રાજ્ય સરકારની જે તે વિભાગની યોજનાઓ અંતર્ગત નોંધાયેલા લાભાર્થીઓને, તેમની આવક મર્યાદાને ધ્યાને લીધા સિવાય, દરેકને અન્ન સુરક્ષાનો લાભ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે.તાજેતરમાં જ સુરત ખાતે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં ૨ લાખ જેટલા લાભાર્થીઓને અન્ન સુરક્ષાનો લાભ આપવામાં આવ્યો છે.બાકીના જિલ્લાઓમાં પણ તબક્કાવાર અમલવારી કરવામાં આવી રહી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યનાં ૭૫ લાખ NFSA કાર્ડધારકોને અન્ન સુરક્ષાની સાથોસાથ પોષણ સુરક્ષા મળી રહે, તે માટે દર મહિને, પ્રતિ કાર્ડ ૧ કી. ગ્રા. ચણા – પ્રતિ કી. ગ્રા. રૂ. ૩૦ લેખે, અને૧ કી. ગ્રા. તુવેરદાળ – પ્રતિ કી. ગ્રા. રૂ. ૫૦ લેખે,રાહતદરે વિતરણ કરવામાં આવે છે.

જેના ભાગરૂપે જાન્યુઆરી-૨૦૨૪ થી ડિસેમ્બર-૨૦૨૪ અંતિત અંદાજિત કુલ ૨૪,૮૮૫ મેટ્રિક ટન તુવેરદાળ તેમજ  અંદાજિત કુલ ૫૫,૦૫૩ મે.ટન ચણાના જથ્થાનું વિતરણ કરવામાં આવ્યું છે.

તેમણે કહ્યું કે,આગામી વર્ષે પણ NFSA રેશનકાર્ડ ધારકોને પ્રોટીનયુક્ત પોષણક્ષમ આહાર પૂરો પાડવા તુવેરદાળ અને ચણાના વિતરણ માટે રૂ. ૭૬૭ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ કહ્યું હતું કે,રાજ્ય સરકાર દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ થી ‘પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ ના તમામ તબક્કા હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓ તથા રાજ્ય સરકારની ‘રાજ્ય પીએનજી/એલપીજી સહાય યોજના’ના આમ કુલ મળી ૪૩ લાખ લાભાર્થીઓને વર્ષમાં બે એલપીજી સિલિન્ડર ઘરગથ્થુ વપરાશ માટે વિનામૂલ્યે રીફીલીંગ કરી આપવા બાબતની યોજના અમલમાં મુકવામાં આવી છે. જે યોજના અંતર્ગત ૨૦૨૪-૨૫ ના એપ્રિલ-૨૦૨૪ થી જૂન-૨૦૨૪ના પ્રથમ ક્વાર્ટરમાં અંદાજીત ૩૦ લાખ લાભાર્થીઓએ સિલિન્ડર રીફીલીંગ કરાયા છે.જ્યારે ઓક્ટોબર-૨૦૨૪ થી ડીસેમ્બર-૨૦૨૪ના ક્વાર્ટરમાં ૩૧.૫૫ લાખ લાભાર્થીઓએ સિલિન્ડર રીફીલીંગ કરાવવામાં આવ્યા છે.

મંત્રી શ્રી કુંવરજીભાઇએ કહ્યું હતું કે, રાજ્યના ૪૩ લાખ લાભાર્થીઓ એલ.પી.જી. ગેસનો વધુમાં વધુ ઉપયોગ કરે અને સ્વચ્છ ઇંધણ તરફ પ્રેરાય તે હેતુથી, તેઓને વર્ષમાં બે વાર રાંધણગેસ સિલિન્ડર વિના મૂલ્યે રિફિલિંગ કરી આપવા માટે રૂ. ૫,૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષના બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળી દરમિયાન વાજબી ભાવના દુકાન મારફતે તમામ ૭૫ લાખ NFSA લાભાર્થી કુટુંબોને કાર્ડદીઠ ૧ લીટર સીંગતેલના પાઉચનું, રૂ.૧૦૦ પ્રતિ પાઉચના  રાહત દરે, વિતરણ કરવામાં આવે છે. ખાદ્યતેલ વિતરણ માટે રૂ.૧૬૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્યમાં પોષણનું સ્તર વધારવા માટે, રાજયના તમામ ૭૫ લાખ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને દર માસે કાર્ડદીઠ ૧ કિ.ગ્રા. ડબલ ફોર્ટીફાઈડ મીઠું પ્રતિ કી. ગ્રા. રૂ.એક ના રાહતદરે વિતરણ માટે રૂ.૫૧ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે,જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજયના અંત્યોદય લાભાર્થી કુટુંબોને ૧ થી ૩ જનસંખ્યા ધરાવતા કાર્ડધારકોને કાર્ડ દીઠ ૧ કિલો ખાંડ અને ૩ થી વધુ જનસંખ્યા ધરાવતા કાર્ડધારકોને પ્રતિ વ્યકિત ૩૫૦ ગ્રામ ખાંડનું દર માસે રૂ.૧૫ પ્રતિ કિલોના રાહત ભાવથી વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત બીપીએલ લાભાર્થી કુટુંબોને પ્રતિ વ્યક્તિ ૩૫૦ ગ્રામ ખાંડનું દર માસે રૂ.૨૨ પ્રતિ કિલોના ભાવથી વિતરણ કરવામાં આવે છે‌.વધુમાં વર્ષમાં આવતા બે તહેવારો જન્માષ્ટમી અને દિવાળી દરમિયાન પ્રતિ કાર્ડ દીઠ વધારાની ૧ કિલો ખાંડનું ઉપરોક્ત ભાવથી વિતરણ કરવામાં આવે છે.

આમ, અંદાજિત ૩૧ લાખ અંત્યોદય તથા બીપીએલ રેશનકાર્ડધારકોને જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાંડનુ વિતરણ કરવામાં આવે છે. આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં ખાંડના વિતરણ માટે રૂ. ૧૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે‌ તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, શ્રીઅન્ન-મિલેટના  વપરાશને પ્રોત્સાહન મળી રહે તેમજ ખેડૂતોને મિલેટના વાવેતર માટે યોગ્ય ભાવ મળી રહે, તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા બાજરી,જુવાર,રાગીની ખરીદી પર ખેડૂતોને રૂ.૩૦૦/- પ્રતિ ક્વિન્ટલનું બોનસ જાહેર કરવામાં આવ્યું છે અને આ માટે પ્રોત્સાહક બોનસ ચૂકવવા માટે બજેટમાં રૂ. ૩૬.૬૦ કરોડની જોગવાઇ કરાઇ છે.જે અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫માં તા. ૩ જાન્યુઆરી, ૨૦૨૫ સુધીમાં રાજ્યના કુલ ૨૦,૭૨૨ ખેડૂતો પાસેથી વિવિધ જણસીઓના કુલ ૧.૧૫ લાખ મે.ટનની ટેકાના ભાવે ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ પર રૂ. ૨૪ કરોડનું પ્રોત્સાહક બોનસ ચૂકવવામાં આવ્યું છે.

મંત્રી શ્રી કુંવરજીભાઇએ કહ્યું કે,ભારત સરકારની ગાઈડલાઈન મુજબ વિભાગ હસ્તકના અનાજ સંગ્રહના ગોડાઉનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે બનાવવા માટે રૂ. ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રી શ્રી કુંવરજીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ પી.ડી.એસ. યોજના દ્વારા, તમામ રાજ્ય, કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં એન્‍ડ-ટુ-એન્‍ડ કોમ્પ્યુટરાઈઝેશન સ્કીમ દ્વારા,લાવવામાં આવેલા ટેક્‍નોલોજી આધારીત, સુધારા કરીને જાહેર વિતરણ વ્યવસ્થામાં નવા સુધારાઓ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય પોર્ટેબિલીટીને વધુ મજબૂત બનાવવા અને ટેકનોલોજીના ઉપયોગ થકી વિતરણ વ્યવસ્થા સરળ બનાવવા ના હેતુથી શરૂ કરાયેલી ‘વન નેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ રૂ. ૧.૫૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

NFSA લાભાર્થીઓને તેઓને મળવાપાત્ર અન્ન પુરવઠો,તેઓના ઇચ્છિત સમયે સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે ગુજરાતના બે જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં બે વાજબી ભાવના દુકાનો પર આવા મશીનો કાર્યરત કરવા માટે રૂ.૪૨ લાખની જોગવાઈ કરાઈ છે તેમ, તેમણે ઉમેર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.