Western Times News

Gujarati News

રાજ્યના ૬,૧૮,૦૦૧ શ્રમિકોને વર્ષ ૨૦૧૮-૧૯ નું રૂ. ૮૧૭.૨૨ કરોડનું બોનસ ચુકવાયું

શ્રમ આયુક્ત કચેરીના પ્રયાસોથી ગુજરાતના ૬ લાખથી વધુ શ્રમિકોની દિવાળી રોશન

બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫ અંતર્ગત ઉત્તર ગુજરાતના સંગઠીત ક્ષેત્રના ૨ લાખથી વધુ શ્રમિકોને થયો લાભ

(સંકલન: ઉમંગ બારોટ, માહિતી મદદનીશ, અમદાવાદ.) દિવાળીનું પર્વ સામાન્ય રીતે લોકો માટે આનંદ અને ઉત્સાહનું પર્વ હોય છે. દિવાળીની ઉજવણી અવનવી ખરીદીની ભરમાર લઇને પણ આવે છે. નોકરિયાત વર્ગ માટે દિવાળીએ મળતું બોનસ ઉજવણીની ખુશીઓમાં ઉમેરો કરે છે અને દિવાળીની ખરીદીમાં મદદગાર પણ નિવડે છે. વિવિધ ખાનગી સંસ્થાઓ પોતાના શ્રમિકો / કર્મચારીઓને દિવાળી બોનસ આપતી હોય છે. રાજ્ય અને કેંદ્ર સરકાર પણ વિવિધ વર્ગના કર્મચારીઓને દિવાળી બોનસ ચુકવતી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫ અંતર્ગત ખાનગી સંસ્થા/કંપનીએ શ્રમિકોને વાર્ષિક બોનસની ચુકવણી કરવાની હોય છે.

બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫નું યોગ્ય પાલન થાય તથા ઉત્તર ગુજરાતના તમામ શ્રમિકોને વર્ષ ૨૦૧૮-૧૯ નું  મળવાપાત્ર બોનસ મળી રહે તે માટે અમદાવાદ નાયબ શ્રમ આયુક્તની કચેરી ખાતે વિશેષ ‘બોનસ સેલ’ કાર્યરત કરવામાં આવ્યો છે. આ ‘બોનસ સેલ’ તા: ૧૦/૧૦/૨૦૧૯ થી કાર્યરત છે. ઉત્તર ગુજરાતના અમદાવાદ સહિતના ૭ જિલ્લાની ખાનગી સંસ્થાઓને ‘બોનસ સેલ’ મારફતે જરૂરી માર્ગદર્શન અને દેખરેખ પુરી પાડવામાં આવી રહી છે.          

અમદાવાદ નાયબ શ્રમ આયુક્તની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર તા: ૨૫/૧૦/૨૦૧૯ સુધીમાં ૭ જિલ્લાની ૭૮૬ જેટલી ખાનગી સંસ્થાઓએ કુલ ૨,૦૪,૧૪૭ શ્રમિકોને ૨૩૫.૯૭ કરોડનું બોનસ ચુકવ્યું છે. અમદાવાદ જિલ્લાની ૫૫૪ સંસ્થાઓએ ૧,૪૫,૫૮૯ શ્રમિકોને ૧૫૧.૯૨ કરોડ, ગાંધીનગર જિલ્લાની ૧૨૧ સંસ્થાઓએ ૨૫,૯૧૮ શ્રમિકોને ૩૦.૦૧ કરોડ, મહેસાણા જિલ્લાની ૬૬ સંસ્થાઓએ ૨૦,૫૯૯ શ્રમિકોને ૩૩.૦૨ કરોડ, બનસકાંઠા જિલ્લાની ૧૬ સંસ્થાઓએ ૪૫૮૮ શ્રમિકોને ૯.૭૧ કરોડ, સાબરકાંઠા જિલ્લાની ૨૨ સંસ્થાઓએ ૬૭૪૦ શ્રમિકોને ૧૦.૭૩ કરોડ, પાટણ જિલ્લાની ૪ સંસ્થાઓએ ૩૩૮ શ્રમિકોને ૩૦.૧૮ લાખ અને અરવલ્લી જિલ્લાની ૩ સંસ્થાઓએ ૩૭૫ શ્રમિકોને ૨૬ લાખ રૂપીયાનું બોનસ ચુકવેલ છે.

ગાંધીનગર શ્રમ આયુક્તની કચેરીએથી પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના આશરે ૬,૧૮,૦૦૧ શ્રમિકોને રૂ. ૮૧૭.૨૨ કરોડનું બોનસ તેઓની સંલગ્ન સંસ્થા દ્વારા ચુકવાયું છે તથા ઔદ્યોગિક સંસ્થાઓ દ્વારા બોનસ ચુકવણીની પ્રક્રીયા હજુ પણ નિયમ મુજબ ચાલુ છે.

શું છે નિયમ?

બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫ મુજબ ૨૧,૦૦૦/- કે તેથી ઓછી માસિક આવક ધરાવતા ૧૦ કે તેથી વધું શ્રમિકો જ્યાં નોકરી કરતા હોય એ દરેક ખાનગી સંસ્થા/કંપનીએ પોતાના શ્રમિકોને વાર્ષિક બોનસની ચુકવણી કરવાની હોય છે. બોનસની આ રકમ સંલગ્ન નાણાકિય વર્ષ દરમિયાન શ્રમિકને મળેલ કુલ મહેનતાણાના ૮.૩૩% થી ૨૦% હોય છે.

જે-તે નાણાકિય વર્ષનું બોનસ તે પછીના નાણાકીય વર્ષના નવેમ્બર માસની ૩૦ તારીખ સુધી ચુકવવાનું હોય છે. પરંતુ પારંપરીક રીતે આ બોનસ દિવાળી પર, કેરળમાં ઓણમ પર અને બંગાળમાં દુર્ગા-પૂજા નિમીત્તે ચુકવાય છે.

ઈ.સ. ૧૯૧૭ માં પ્રથમ વિશ્વયુધ્ધ વખતે ભારતમાં કાપડ મિલોએ શ્રમિકોને ૧૦ % બોનસ જાહેર કરેલ ત્યારથી આપણે ત્યાં બોનસની પ્રથા ચાલુ થઇ જે આઝાદી બાદ પણ જળવાઇ. ૨૬ મે ૧૯૬૫ ના રોજ બોનસ ચુકવણી ખરડો સંસદમાં પસાર થતા બોનસ ચુકવણી અધિનિયમ-૧૯૬૫ અમલમાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.