Western Times News

Gujarati News

રાજ્યના ૭૫૦૦ મનોદિવ્યાંગ એથ્લિટ્‌સના આરોગ્યની તપાસ થશે

પ્રતિકાત્મક

અમદાવાદ, ૭મી એપ્રિલના રોજ ઉજવાતો વિશ્વ આરોગ્ય દિવસ આ વખતે ગુજરાત માટે વિશિષ્ટ બની રહેવાનો છે. મનોદિવ્યાંગતા ધરાવતા રાજ્યના ૭૫૦૦ એથ્લીટ્‌સની આરોગ્ય તપાસનો મહાઉપક્રમ આ વર્ષના આરોગ્ય દિવસની વિશેષતા બની રહેશે.

કર્ણાવતી યુનિવર્સિટી, અમદાવાદ ખાતે સવારે ૯થી ૩ઃ૩૦ સુધી આ એથ્લીટ્‌સની તબીબી તપાસ કરવામાં આવશે, જે અંતર્ગત સ્પેશિયલ સ્માઈલ (ડેન્ટલ), ઓપનિંગ આઈઝ (આંખની તપાસ) અને હેલ્થ પ્રમોશન (પ્રિવેન્ટિવ અને ન્યુટ્રિશન) સ્ક્રીનિંગ હાથ ધરવામાં આવશે.

આ ઉપક્રમની તૈયારીના એક ભાગરૂપે ૬૫ તબીબી નિષ્ણાતો યુનિવર્સિટી ખાતે ૧૭ માર્ચ, ૨૦૨૨ના રોજ સહાયક ક્લિનિકલ ડિરેક્ટરની તાલીમ લેશે, જે પૈકી ૪૦ને વિશેષ સ્મિત અને ૨૫ને આરોગ્ય પ્રમોશન માટેની તાલીમ આપવામાં આવશે. તાલીમાર્થીઓ કર્ણાવતી ડેન્ટલ યુનિવર્સિટી, દમણ અને કે. એમ. શાહ ડેન્ટલ કોલેજમાંથી આવી રહ્યા છે.

તાલીમમાં બંને વિદ્યાશાખાના ૨૦ ખેલાડીઓની તબીબી તપાસનો સમાવેશ કરવામાં આવશે. ૭મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવનાર તબીબી તપાસ બાદ, તમામ એથ્લીટ્‌સ અમદાવાદના મોટેરા ખાતેના સ્ટેડિયમમાં સાંજે ૫.૩૦ થી ૬.૩૦ વાગ્યા સુધી સમાપન સમારોહમાં ભાગ લેશે.

આ કાર્યક્રમની અધ્યક્ષતા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. તેમની સાથે અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો જાેડાશે, જેમાં ડો. એલિસિયા બઝાનો, ચીફ હેલ્થ ઓફિસર, સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઈન્ટરનેશનલ, દિપક નતાલી, પ્રાદેશિક પ્રમુખ અને મેનેજિંગ ડિરેક્ટર, સ્પેશિયલ ઓલિમ્પિક્સ એશિયા પેસિફિક અને ડૉ. મલ્લિકા નડ્ડા, ચેરપર્સન અને ડૉ. ડી. જી. ચૌધરી, જનરલ સેક્રેટરી, સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારતનો સમાવેશ થાય છે.

ફિટ ૫ જીવનપદ્ધતિ વિષયક સાંસ્કૃતિ કાર્યક્રમ આ પ્રસંગે યોજાશે, જેમાં ૭૫૦૦ જેટલા મનોદિવ્યાંગ એથ્લીટ્‌સ ભાગ લેશે, જે એક વિશિષ્ટ ઘટના છે. સંભવતઃ આ ઘટનાની નોંધ ગિનીઝ બુક ઓફ વર્લ્‌ડ રેકર્ડ્‌સ દ્વારા લેવામાં આવશે.

વિશ્વ આરોગ્ય દિવસને સમર્થન આપીને અને સર્વસમાવેશક આરોગ્ય સપ્તાહની ઉજવણી કરવા માટે, સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત પાંચમી અને સાતમી એપ્રિલ, ૨૦૨૨ના રોજ ભારતનાં ૭૫ શહેરોમાં આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે બૌદ્ધિક વિકલાંગતા ધરાવતા ૭૫૦૦૦ રમતવીરોની તબીબી તપાસ કરશે. એથ્લીટ્‌સની નોંધણી સ્વદેશી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી કરવામાં આવશે, જે ડિજિટલ એક્સેસને પ્રોત્સાહિત કરશે અને એથ્લીટ્‌સ માટે એક મોનિટરિંગ સિસ્ટમ પણ સ્થાપિત કરશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.