રાજ્યની જેલોમાં રહેલા ૧ર૦૦ જેટલા કેદીઓને બે માસ માટે પેરોલ –ઇન્ટ્રીમ બેલ પર મુકત કરવામાં આવશે

files Photo
વિશ્વવ્યાપી કોરોના કોવિડ-૧૯ વાયરસના સંક્રમણને પ્રસરતું અટકાવવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની જેલોમાં રહેલા કેદીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ જેલના કેદીઓ અંગેના આ નિર્ણય સાથે રાજ્યમાં નાગરિકોને જીવન જરૂરી ચીવસ્તુઓ સરળતાએ મળી રહે તેવી વ્યવસ્થાઓ પણ સુનિશ્ચિત કરી છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયોની જાણકારી પ્રચાર માધ્યમો સમક્ષ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ કોરોના કોવિડ-૧૯ વાયરસનું સંક્રમણ જેલોમાં રહેલા કેદીઓમાં ન થાય તે હેતુથી સુપ્રિમ કોર્ટે દિશાનિર્દેશો આપેલા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ દિશાનિર્દેશ અનુસાર રાજ્યની જેલોમાં રહેલા પાકા કામના અને કાચા કામના મળીને કુલ ૧ર૦૦ જેટલા કેદીઓને બે માસ માટે મુકત કરવાની નિયમાનુસાર થતી જરૂરી કાર્યવાહી માટે ગૃહ વિભાગને સૂચનાઓ આપી છે. શ્રી અશ્વિનીકુમારે આ વિગતો આપતાં ઉમેર્યુ કે, જેલોમાં રહેલા પાકા કામના કેદીઓને પેરોલ તેમજ અન્ડર ટ્રાયલ કાચા કામના કેદીઓને ઇન્ટરીમ બેલ આપવામાં આવશે.
તેમણે જણાવ્યું કે, આ કેદીઓને જેલમુકત કરતા પહેલાં તમામનું તબીબી પરિક્ષણ કરવામાં આવશે. એટલું જ નહિ, જો કોઇ કેદીમાં તાવ-શરદી કે અન્ય સંક્રમણ લક્ષણો જણાશે તો તેમને આઇસોલેટ કરાશે. કેદીઓને ઘરે મોકલવાની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવશે એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના સચિવે કોરોના વાયરસ સામેના ફંડ તરીકે મુખ્યમંત્રી રાહતનિધિમાં ઉદાર હાથે ફાળો આપવાની શ્રી વિજયભાઇ રૂપાણીની અપિલને મળી રહેલા વ્યાપક પ્રતિસાદને આવકાર્યો હતો. તેમણે આ અંગે કહ્યું કે, અત્યાર સુધીમાં પપ૦૦ જેટલા લોકોએ કુલ રૂ. રપ કરોડનું દાન ભંડોળ આ નિધિમાં આપેલું છે. તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. પ કરોડ, ક્રેડાઇ રૂ. પ કરોડ, મેઘા એન્જીનીયરીંગ રૂ. ૧ કરોડ, ગણેશ હાઉસીંગ કોર્પોરેશન રૂ. પ૧ લાખ, પોલીકેબ ઇન્ડીયા રૂ. પ૦ લાખ, થરાદ જૈન સંઘ રૂ. ૨૧ લાખ, આદર્શ એજ્યુકેશન ટ્રસ્ટ રૂ. ૧૧ લાખ ૧૧ હજાર, અસ્ટ્રાલ પોલિટેકનીક રૂ. ૧ર.પ૦ લાખ અને વલ્લભવિદ્યાનગર કો.ઓ. બેન્ક રૂ. પ લાખ મુખ્યત્વે છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે કહ્યું હતું.