રાજ્યની ટેક્સ આવકમાં ૩.૧૧ ટકાનો ઘટાડો નોંધાયો
અમદાવાદ: દેશનાં ૬ રાજ્યો આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડમાં પાછલા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિના દરમિયાન તેમનાં વેરાની કુલ આવકમાં ઘટાડો જોવા મળ્યો છે જ્યારે પશ્ચિમ બંગાળની ટેક્સ રેવન્યુમાં ૧૩.૪૪ ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યોની મોટાભાગની આવક કેન્દ્રનાં ડિવિઝનેબલ ટેક્સ પૂલ, જીએસટી, વેટ અને આલ્કોહોલ પર એક્સાઈઝ ડ્યુટી થકી થાય છે. જોકે આ તમામ રાજ્યોમાં વેટ અને જીએસટી કલેક્શન ઘટ્યું છે.
અત્રે નોંધનીય છે કે સરકારે રાજ્યોને જીએસટીની ભરપાઈ કરી આપવાનું વચન આપ્યું હતું. ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યની ટેક્સ આવકમાં ૩.૧૧ ટકાનો ઘટાડો નોંધાયો છે જયારે ઔધોગિક રાજ્ય મહારાષ્ટ્રમાં નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના પ્રથમ આઠ માસમાં ૦.૩ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે મહારાષ્ટ્રમાં ડિસેમ્બર માસ દરમિયાન વૃદ્ધિ જોવા મળી છે જેને કારણે ચાલુ નાણાંકીય વર્ષનાં પ્રથમ ૮ માસ દરમિયાન તેની ટેક્સ આવકમાં ૨.૮૭ ટકાનો વધારો જોવાયો છે.
બીજી તરફ આંધ્રપ્રદેશમાં આ સમયગાળા દરમિયાન ટેક્સ રેવન્યુમાં ૧૧.૪ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે પંજાબમાં ૧૦.૪ ટકાનો ઘટાડો થયો છે. આ બંને રાજ્યોની આવક અંગેના ડિસેમ્બર સુધીના આંકડા પણ ઉપલબ્ધ છે. જો તેને ધ્યાનમાં લેવામાં આવે તો કેરળની આવકમાં ૧૦.૯ ટકાનો ઘટાડો થયો છે. પંજાબે વૃદ્ધિ નોંધાવી છે છતાં તેની ટેક્સ આવકમાં ૧૧.૭ ટકાની ઘટ નોંધાઈ છે. અન્ય એક રાજ્ય મણિપુરની ટેક્સ આવકમાં પણ એપ્રિલ-નવેમ્બર ૨૦૧૯ દરમિયાન ૧૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો છે. આ સમયગાળા દરમિયાન ઉત્તરાખંડમાં પણ ટેક્સ આવકમાં ૦.૩૫ ટકાની ઘટ જોવાઈ છે.