રાજ્યની પાસે આવેલા પર્યટન સ્થળો પર ફરવા જવાનો ટ્રેન્ડ
અમદાવાદ, બે વર્ષના લાંબા ગાળા બાદ પ્રવાસન ઉદ્યોગ ફરી એકવાર પાટે ચડ્યું હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીના તહેવાર પર શોર્ટ ડેસ્ટીનેશન પ્રવાસન સ્થળો અત્યારથી જ ફૂલ થવા લાગ્યા છે. જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાપુતારા, સોમનાથ, દ્વારકા, સાસણ, દિવ-દમણ અને કચ્છ ટેન્ટ સિટીમાં પ્રવાસીઓનું બુકિંગ વધ્યું છે.
તો ગુજરાત બહારના સ્થળોમાં રાજસ્થાનના ઉદયપુર, રણકપુર, જેસલમેર, કુંભલગઢ પ્રવાસીઓની પહેલી પસંદ બન્યા છે. સાથે જ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ પ્રવાસીઓ વધ્યા છે. જાે કે હવાઈ મુસાફરીના ભાડા વધતા પ્રવાસન થોડુ મોંઘુ થયું છે.
પરંતુ કોરોનાના લીધે ઈન્ટરનેશનલ પ્રવાસન બંધ હોવાથી ડોમેસ્ટીક ટુરીઝમને વેગ મળ્યો છે. કોરોના કાળમાં છેલ્લા બે વર્ષમાં પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. પરંતુ હવે સંક્રમણ ઘટતા લોકો ઘરની બહાર ફરવા માટે નીકળી રહ્યા છે. ત્યારે આ દિવાળી પર પ્રવાસન ઉદ્યોગને સારી આવક થશે તેવી શક્યતા છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવવાથી પ્રવાસન ઉદ્યોગે જાેર પકડ્યું છે. ગુજરાતીઓ આ વર્ષે દિવાળી અને નવા વર્ષે મિની વેકેશન ઉજવવાની તૈયારીઓ કરી રહ્યાં છે. જાેકે, કોરોના મહામારીને પગલે ગુજરાતીઓ રાજ્યની અંદર આવેલા પ્રવાસન સ્થળો પર જ ફરવાનું પ્લાનિંગ બનાવી રહ્યાં છે. કોરોના મહામારીને પગલે આ બદલાતો ટ્રેન્ડ જાેવા મળ્યો છે. કોરોના કાળ દરમિયાન હવે રાજ્યની અંદર જ અથવા રાજ્યની નજીક આવેલા પર્યટન સ્થળો પર ફરવા જવાનો નવો ટ્રેન્ડ જાેવા મળ્યો છે.
ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ એજન્ટ્સનું માનવુ છે કે, લોકો પોતાના વાહનોમાં સવાર થઈને જવાનું પસંદ કરી રહ્યાં છે. કોરોના કાળ દરમિયાન ગત બે વર્ષમાં લોકો ક્યાંય બહાર ગયા નથી. જેથી આ દિવાળીએ લોકોએ ફરવાનું મન બનાવી લીધું છે.
ટ્રાવેલ એજન્ટ્સ અનુસાર, અનેક લોકો સોમનાથ, દ્વારકા, મોઢેરા, પાવાગઢ, અંબાજી, જૂનાગઢના ગિરનાર પર્વત જેવા ધાર્મિક સ્થળો પર પસંદગી ઉતારી રહ્યાં છે. અનેક લોકો નજીકના કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીનો પ્રવાસ કરવા માંગે છે. સાપુતારા, સાસણ ગીર, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ટેન્ટ સિટી અને કચ્છ રણોત્સવ લોકોની પસંદ બની રહ્યાં છે.
બ્લ્યૂ ફ્લેગ બીચનું ટેગ મળ્યા બાદ દ્વારકા પાસેનું શિવરાજપુર બીચ લોકોની પહેલી પસંદ બન્યુ છે. તેમાં ગુજરાતની સાથે સાથે પાડોશી રાજ્યના લોકો પણ અહી આવી રહ્યાં છે. તો બીજી તરફ કચ્છના માંડવી અને રણોત્સવમાં લગભગ ૮૦ ટકા બુકિંગ ફુલ થઈ ચૂક્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જનારા પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે.
રાજ્યના અંદર અનેક એવા સ્થળો આવેલા છે, જે લોકોની પહેલી પસંદ બની રહ્યાં છે. કોરોના કાળને કારણે હજી પણ લોકો નજીકના સ્થળો પર ફરવાનુ પસંદ કરી રહ્યાં છે, જેથી જલ્દી જ પોતાના ઘરે પહોંચી શકાય. આવામાં ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને ગોવા રાજ્યો પર લોકોની પસંદગી ઉતરી રહી છે. તો લાંબી દૂરના સ્થળો પર જવામાં અંડમાન નિકોબાર અને કાશ્મીર લોકોની પસંદ બની રહ્યાં છે.SSS