રાજ્યની પ્લેગ્રાઉન્ડ વગરની શાળાઓને જમીન ફાળવવાનો શિક્ષણ વિભાગનો આદેશ
અમદાવાદ: બાળકો ભણતરની સાથે-સાથે આઉટડોર એક્ટિવિટી કરે તે પણ જરૂરી છે. પરંતુ રાજ્યની ઘણી એવી શાળાઓ છે જેની પાસે પોતાનું પ્લેગ્રાઉન્ડ જ નથી. ત્યારે શિક્ષણ વિભાગે દરેક સ્કૂલ પાસે પ્લેગ્રાઉન્ડ હોય તેની ખાતરી કરવા માટેનો આદેશ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને આપ્યો છે.
રાજ્યની દરેક સ્કૂલો પાસે પ્લેગ્રાઉન્ડ હોય તેની ખાતરી કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને જરૂરી પગલા લેવા માટેનો આદેશ આપ્યો છે. અંદાજ મુજબ, ગુજરાતની ૪૦ ટકા સ્કૂલોનાં કેમ્પસમાં પ્લેગ્રાઉન્ડ નથી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાથમિક શિક્ષણના ડિરેક્ટર એમઆઈ જાેશી એ ગુરુવારે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પત્ર પાઠવીને જણાવ્યું હતું કે, તેમણે તેમના વિસ્તારમાં આવેલી સ્કૂલો કે જેમના કેમ્પસમાં પ્લેગ્રાઉન્ડ નથી તેમને જમીન ફાળવવાનું કામ શરૂ કરવું જાેઈએ. અમદાવાદની જ વાત કરીએ તો, શહેરની ૧૨૦૦ જેટલી ખાનગી શાળાઓમાં પ્લેગ્રાઉન્ડ નથી, તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
‘રાજ્યનું શિક્ષણ વિભાગ સમયાંતરે પ્લેગ્રાઉન્ડ ન ધરાવતી સ્કૂલો પર નજર રાખી રહી છે’, તેમ સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. ‘ડિપાર્ટમેન્ટ પ્લેગ્રાઉન્ડ બનાવવા માટે સરકારી અને ખાનગી જમીન પટ્ટાઓ વિશેની માહિતી તૈયાર કરી રહ્યું છે’. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓને પ્લેગ્રાઉન્ડ વગરની શાળાઓ માટે જમીન મેળવવા તાલુકા કક્ષાના અધિકારીઓ અને ગ્રામ પંચાયતો સાથે કોઓર્ડિનેટ કરવા જણાવ્યું છે. ખાનગી શાળાઓમાં પણ આવી સુવિધા જલ્દી ઉભી કરવા માટે સૂચના આપવામાં આવી છે. શહેરો અને શહેરી વિસ્તારોમાં રમત-ગમત અને અન્ય આઉટડોર એક્ટિવિટી માટે જમીન મેળવવી તે એક મોટો પડકાર છે.
શિક્ષણ વિભાગે ગયા વર્ષે નવી શાળાઓ સ્થાપવા માટેના પ્લેગ્રાઉન્ડની સાઈઝના માપદંડ પર પુનરાવર્તન કર્યું હતું. ૨૦૧૯-૨૦માં માન્ય નવી શાળાઓની સંખ્યામાં ભારે ઘટાડો થતાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારોમાં પ્લેગ્રાઉન્ડની સાઈઝ ૧૨૦૦ ચોરસ મીટરથી ઘટાડીને ૮૦૦ ચોરસ મીટર કરવામાં આવી હતી. ગ્રામીણ કેન્દ્રોમાં તે ૨ હજાર ચોરસ મીટરથી ઘટાડીને ૧૫૦૦ ચોરસ મીટર કરવામાં આવી હતી.