રાજ્યની વિવિધ અદાલતોમાં માળખાગત સુવિધા : જાડેજા

અમદાવાદ: કાયદા રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સર્વ જન હિતાય સર્વ જન સુખાયના મંત્રને વરેલી અમારી રાજ્ય સરકારે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌને સમાન – ઝડપી ન્યાય અપાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે. જેના પરિણામે ગુનાઓના કન્વીક્શન રેટમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને રાજ્યનું ન્યાયતંત્ર વધુ સુસજ્જ થયું છે.
આજે વિધાનસભા ખાતે કાયદા વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કાયદા વિભાગનો અત્યાધુનિક બનાવવા તથા નાગરિકોને ઘર આંગણે સસ્તો – ઝડપી ન્યાય મળે તે માટે દિર્ઘ દ્રષ્ટિ પૂર્વક આયોજન કર્યું હતું. જેના પરિણામે રાજ્ય સરકારે અંદાજપત્રમાં ઉત્તરોત્તર વધારો કર્યો છે. એના પરિણામો આજે રાજ્યના ન્યાયતંત્રમાં કોર્ટ બિલ્ડીંગ, લાયબ્રેરી, જરૂરીયાત મુજબનું માનવબળ જેવી માળખાગત સવલતો ઉપલબ્ધ થઇ છે. જેની સુપ્રિમ કોર્ટ દ્વારા નોંધ લઇને રાજ્યની સર્વશ્રેષ્ઠ આ વ્યવસ્થાને બિરદાવી છે એ જ દર્શાવે છે કે અમારી સરકાર નાગરિકોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા કેટલી તત્પર છે.