રાજ્યની સ્કૂલોને ૧૫ ઓગસ્ટ પહેલા ૧ કરોડ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ અપાયું
અમદાવાદ, દેશ અને દુનિયામાં ગ્લોબલ ર્વોમિંગની અસરોને પગલે ક્યાંક વરસાદ તો ક્યાંક અછત જેવી સ્થિતિ સર્જાય છે. જેને લઈને પર્યાવરણનું સંતુલન ખુબજ જરુરી બની ગયું છે. તેવામાં રાજ્યમાં શિક્ષણ વિભાગે પર્યાવરણના સંતુલન માટેનું અનોખુ અભિયાન હાથ ધર્યું છે. આગામી ૧૫ ઓગસ્ટ પહેલા રાજ્યની શાળાઓને એક કરોડ ઝાડ વાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેનું નિરિક્ષણ મોબાઈલ એપ પર કરવામાં આવી રહ્યું છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાના આચાર્યોને વૃક્ષો વાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. રાજ્યભરમાં ૧૫ ઓગસ્ટ પહેલા ૧ કરોડ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ શિક્ષણ વિભાગનો આદેશ છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાની શાળાઓને એક બાળ એક વૃક્ષ અંતર્ગત વૃક્ષ વાવવાનું અભિયાન શરુ કરાયું છે. અને જિલ્લામાં ૧૨ લાખ વૃક્ષ વાવવાનો ટાર્ગેટ અપાયો છે.
સુરત જિલ્લાને ૧૧ લાખ, રાજકોટને ૫ લાખ ૮૪ હજાર જ્યારે વડોદરાને પણ સાડા પાંચ લાખ વૃક્ષ વાવવાનો લક્ષ્યાંક અપાયો છે. તેવી જ રીતે આણંદ, નડિયાદ, ગાંધીનગર, કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત અલગ અલગ જિલ્લાઓને પણ લક્ષ્યાંક આપવામાં આવ્યું છે.
વૃક્ષારોપણની આ કાર્યવાહી પ્લાન્ટેશનના મોબાઈલ એપ પર અપલોડ કરવાની પણ સુચના અપાઈ છે. શાળા દ્વારા કરાયેલ વૃક્ષારોપણની કામગીરીનું પ્લાન્ટેશન એપ પર શિક્ષણ વિભાગ નિરિક્ષણ કરી રહ્યું છે.