રાજ્યની ૨૫ આંગડિયા પેઢી પરની તપાસમાં CID પછી EDની પણ એન્ટ્રી
(એજન્સી)ગાંધીનગર, રાજ્યભરમાં ૨૫ જેટલી જાણીતી આંગડિયા પેઢીઓમાં ગઈકાલે પાડવામાં આવેલા દરોડામાં તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો ખુલી છે. જેમાં આઈપીએલ મેચ ઉપરના સત્તામાં તથા ઓનલાઈન ગેમીંગના નાણાં દુબઈ ટ્રાન્સફર કરાયા હોવાનું મનાઈ રહ્યું છે. જેના પગલે હવે ઈડી પણ આ તપાસમાં જોડાઈ છે. જેના પગલે અન્ય આંગડિયા પેઢીઓમાં ફફડાટ ફેલાયો છે.
ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ રાજ્યભરમાંથી ૨૫ આંગડિયા પેઢી પર ઇન્કમટેક્સ વિભાગની ટીમોને સાથે રાખીને દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મની લોન્ડરિંગ, હવાલાના પૈસા સહિતના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોને ધ્યાને લઈને કામગીરી કરવામાં આવી રહી છે. સીઆઈડી ક્રાઈમના ૪૦ કર્મીઓ દરોડાની કામગીરીમાં જોડાયા છે.
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં રૂ.૧૨.૫ કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા છે અને ખૂબ મોટી માત્રામાં નક્કર સોનું પણ હાથ લાગ્યું છે. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમના સીઆઈ સેલ વિભાગમાં થોડા દિવસ અગાઉ આંગડિયા પેઢીનો ડુપ્લિકેટ એકાઉન્ટનો કેસ દાખલ કરાયો હતો.
જેમાં કેટલાક શંકાસ્પદની પૂછપરછમાં બેનામી નાણાંકીય લેવડદેવડની આખી ચેઈન સીઆઈડી ક્રાઈમ ગાંધીનગરના ઇન્ચાર્જ આઈ.જી. ચૈતન્ય મંડલીકના ધ્યાને આવતા વધુ તપાસ કરતાં રાજ્યની ૨૫ આંગડિયા પેઢીના નામે સામે આવ્યા હતા. જેમાં ચોક્કસ આંગડિયા પેઢી મારફતે દુબઈમાં હવાલા પાડવામાં આવ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.