રાજ્યપાલના ઇન્કારની સામે શિવસેના આખરે સુપ્રીમમાં
મુંબઈ : મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવા કેન્દ્રીય કેબિનેટની મંજુરી અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજુરીને લઇને શિવસેનાએ નારાજગી વ્યક્ત કરી હતી અને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દીધી હતી. શિવસેનાના વકીલ સુનિલ ફર્નાન્ડીઝ તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી.
શિવસેનાએ પોતાની અરજીમાં રાજ્યપાલ તરફથી પાર્ટીને સરકારની રચના કરવા માટે આપવામાં આવેલા સમયને નહીં વધારવાને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. સુત્રોના કહેવા મુજબ રાજભવને ગૃહમંત્રાલયને રાષ્ટ્રપતિની ભલામણ મોકલીને કહ્યું છે કે, મહારાષ્ટ્રમાં બંધારણ મુજબ સરકારની રચના કરવાની બાબત મુશ્કેલરુપ છે. આના ઉપર રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ બંધારણની કલમ ૩૫૬નો ઉપયોગ કરીને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીને આની સામે વાંધો ઉઠાવ્યો છે.
શિવસેનાના નેતાઓ સરકારની રચના કરવાનો દાવો કરવાના સંદર્ભમાં રાજ્યપાલને મળ્યા હતા પરંતુ રાજ્યપાલે વધારાનો સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્રણ દિવસનો સમય આપવા શિવસેનાએ અપીલ કરી હતી પરંતુ આ અપીલને સ્વીકારવામાં આવી ન હતી. શિવસેનાના નેતા અનિલ પરબે કહ્યું છે કે, ફ્લોર ટેસ્ટમાં મોડેથી અમે સંખ્યા રજૂ કરી શક્યા હોત. બીજી બાજુ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ હવે સુપ્રીમ કોર્ટમાં શિવસેના તરફથી કેસ લડશે. ધારાસભ્યોના ટેકાના પત્રો રજૂ કરવામાં શિવસેના નિષ્ફળ રહેતા રાજ્યપાલે એનસીપીને આમંત્રણ આપ્યું હતું. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં એનસીપીને ૫૪ ધારાસભ્યો રહેલા છે.