Western Times News

Gujarati News

રાજ્યભરમાં ૩૭૫ થી વધુ ગરીબ હિતલક્ષી કાર્યક્રમો યોજાયા

અમદાવાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસે અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે “નરેન્દ્ર મોદી વન” માં ૭૧ હજાર વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રેમ સાથે પ્રકૃતિના જતનનો સંદેશો આપ્યો હતો.૭૧ હજાર વૃક્ષો અમદાવાદ શહેરના ગ્રીન કવર વિસ્તાર વધારવામાં મદદરૂપ બનશે તેવું જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નગરો-મહાનગરોમાં પણ વધુમાં વધુ વૃક્ષો વાવીને પર્યાવરણની જાળવણી થાય અને નાગરિકોને શુદ્ધ પ્રાણવાયુ મળે તે માટે ગ્રીન કવર વધારવાની નેમ વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઇ નોખી માટીના નોખા માનવી છે. તેઓએ ગરીબોના બેલી છે એટલે જ રાજ્ય સરકાર દ્વારા આજે તેમના ૭૧માં જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યભરમાં ૩૭૫ થી વધુ ગરીબ હિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસે તેમના મુખ્યમંત્રી પદના કાર્યકાળના પર્યાવરણલક્ષી કાર્યોને યાદ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પર્યાવરણ ક્ષેત્રે ઉભા થનારા પડકારોને ધ્યાનમાં રાખી નરેન્દ્રભાઇની દૂરંદેશીતાના પરિણામે ગુજરાત રાજ્યમાં ૨૦૦૯ માં અલાયદુ કલાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, અગાઉ ફક્ત ગાંધીનગરમાં ઉજવાતા વન મહોત્સવનું ૨૦૦૯ થી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉજવણીની શરૂઆત પણ નરેન્દ્રભાઇ મોદીએ કરી હતી.

આ વનમહોત્સવની જિલ્લા સ્તરે શરૂઆત કરીને તેમણે જન-જનને વન થી જાેડ્યા છે. જિલ્લા સ્તરે સાંસ્કૃતિક, ઐતિહાસિક અને ધાર્મિક મહત્વના આધારે આજે વનમહોત્સવની

આ ઉજવણી રાજ્ય સ્તરે પ્રચલિત બની છે જેના થકી જનમાનસ પર પ્રકૃતિપ્રેમની નવઉર્જાનો સંચાર પણ થયો છે. આજે રાજ્યભરમાં વર્ષ ૨૦૦૪ થી ૨૦૨૧ સુધીમાં કુલ ૨૧ સાંસ્કૃતિક વનોની સ્થાપના થઇ છે. કોરોનાકાળમાં આપણે સૌ પ્રાણવાયુ સમા ઓક્સિજનનું મહત્વ સમજ્યા છીએ માટે ઓક્સિજન સિલિન્ડરથી ઓક્સિજન-પ્રાણવાયુ મેળવવાની જગ્યાએ રાજ્યમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરીને કુદરતી પ્રાણવાયુ મેળવવા વૃક્ષારોપણ અભિયાનને જન અભિયાન બનાવવા મુખ્યમંત્રી શ્રી એ આહવાન કર્યુ હતુ.

તેમણે શહેરોમાં સિમેન્ટ કોંક્રિટના જંગલો વચ્ચે લીલીછમ ઘરતી બનાવવા રાજ્યભરમાં ગ્રીન કવર વધારવા મિયાવાકી પધ્ધતિનો પણ ઉપયોગ કરી ઓછી જમીનમાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરી અર્બન ફોરેસ્ટ વિકસાવવા કહ્યું હતુ.

આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અમદાવાદના સાંસદ સર્વ શ્રી હસમુખભાઈ પટેલ, કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વ શ્રી પ્રદિપસિંહ જાડેજા, વલ્લભભાઈ કાકડીયા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશભાઈ બારોટ, કોર્પોરેટર સર્વશ્રીઓ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ, પક્ષના ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઇ ઝડફિયા, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મુકેશકુમાર સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.