રાજ્યમાં આગામી૧૭ જૂન સુધીમાં ચોમાસુ બેસી જશે
અમદાવાદ, ગુજરાતના ઘણા વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન ખાતાએ રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને મહત્વની જાણકારી આપી છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું સત્તાવાર રીતે પહોંચી ચૂક્યું છે.એટલું જ નહીં, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ જાેવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સારો એવો વરસાદ પડ્યો છે.
ગયા અઠવાડિયામાં જ આ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરુ થઈ ગઈ હતી. તેમાંય આગામી ૨૪ કલાકમાં તોફાની પવન સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. સમગ્ર રાજ્યમાં ૧૭ જૂન સુધીમાં ચોમાસું બેસી જશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં આકરી ગરમી સાથે બફારો પણ વધતા લોકો પરેશાન થઈ ગયા હતા.
જાેકે, વરસાદી માહોલ વચ્ચે હવે ગરમીમાં સામાન્ય રાહત મળી છે.ચોમાસાની એન્ટ્રી થતાં છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતના ભરુચ અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્ત્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા, જ્યારે અમદાવાદમાં પણ રવિવાર સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે, અને સોમવારે સવારે પણ શહેરમાં સામાન્ય છાંટા પડ્યા હતા.
કેરળમાં ચોમાસાએ એન્ટ્રી કર્યા બાદ તેની આગળ વધવાની ગતિ અવરોધાઈ હતી. જાેકે, હવામાન ખાતાએ આ વખતે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી છે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧૫ જૂન સુધીમાં ચોમાસું પહોંચી જતું હોય છે, અને આ વર્ષે પણ મેઘરાજા મોડા નથી પડ્યા.સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આજે સતત બીજા દિવસે પણ છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે.
રાજકોટમાં તો બપોરના સમયે એકાએક વરસાદી ઝાપટું તૂટી પડતાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદી માહોલને કારણે અમદાવાદમાં આગામી અઠવાડિયા સુધી મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી જેટલું રહેશે, જ્યારે રાત્રીનું તાપમાન ૨૫-૨૭ ડિગ્રી જેટલું રહેવાનું અનુમાન છે. શહેરમાં ૧૭ જૂન સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, આ ગાળામાં વડોદરામાં લઘુત્તમ તાપમાન ૨૬ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ૩૪-૩૫ ડિગ્રીની આસપાસ રહેશે.
સુરતમાં ગરમી ૩૨-૩૩ ડિગ્રી જેટલી રહેશે, જ્યારે રાત્રીનું તાપમાન ૨૫-૨૬ ડિગ્રી જેટલું રહી શકે છે. જ્યારે રાજકોટમાં આગામી ૧૫ જૂન સુધી વીજળીના કડાકાભડાકા સાથે વરસાદની વકી છે, અને લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી જ્યારે મહત્તમતાપમાન ૩૭ ડિગ્રી જેટલું રહેશે.SS3KP