રાજ્યમાં આરટી-પીસીઆર ટેસ્ટ ૮૦૦ રૂપિયામાં કરાશે
અમદાવાદ: ગુજરાત સરકારે રાજ્યમાં કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટ માટેના દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે ખાનગી લેબોરેટરી દ્વારા હાથ ધરાતા આરટી-પીસીઆર ટેસ્ટના દર અગાઉના રૂ. ૧,૫૦૦થી ઘટાડીને રૂ. ૮૦૦ કર્યા છે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે ટેસ્ટ કિટના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને તેને પગલે આ લાભ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. મંગળવારથી સરકાર દ્વારા અધિકૃત ખાનગી લેબોરેટરી દ્વારા આરટી-પીસીઆર ટેસ્ટ માટે રૂ. ૮૦૦ ચાર્જ વસુલવામાં આવશે. અગાઉ લેવાતા રૂ. ૧,૫૦૦ સામે રાજ્ય સરકારે રૂ. ૭૦૦નો ઘટાડો કર્યો છે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું.
દેશમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગ કિટનું ઉત્પાદન થતું હોવાથી હવે ભાવમાં ઘટાડો નોંધાયો છે અને ગ્રાહકોને સીધો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત ઉંરમલાયક દર્દી અથા અશક્ત દર્દીઓ ઘરે બેઠા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવા ઈચ્છતા હોય તો તેઓ લેબોરેટરી આસિસ્ટન્ટને ઘરે બોલાવી ટેસ્ટ કરાવી શકશે જેનો ચાર્જ રૂ. ૧,૧૦૦ રહેશે. તાજેતરમાં ખાનગી લેબ દ્વારા ઘરે બેઠા ટેસ્ટના રૂ. ૨,૦૦૦ વસૂલવામાં આવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળના કોર ગ્રુપ દ્વારા કોરોનાના આરટી-પીસીઆર ટેસ્ટના દરમાં ઘટાડાનો ર્નિણય લેવાયો હોવાનું ડેપ્યુટી સીએમએ જણાવ્યું હતું. અગાઉ દિલ્હીની આપ સરકાર તેમજ રાજસ્થાનની કોંગ્રેસ સરકારે પણ આરટી-પીસીઆર ટેસ્ટના દરમાં ઘટાડો કરવાની પ્રોત્સાહક જાહેરાત કરી હતી.