Western Times News

Gujarati News

રાજ્યમાં કાતિલ ઠંડી : પાંચ દિવસ કોલ્ડવેવની આગાહી

ગાંધીનગર: ગુજરાતમાં બે દિવસ કાતિલ કોલ્ડવેવને કારણે હાડ થીજવતી ઠંડી પડી હતી. સમગ્ર રાજ્યમાં ઉત્તર દિશાના હિમકણયુક્ત પવન ફરી વળતા ં આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આકરી ઠંડી પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં ૬ ડિગ્રી નોંધાઈ છે. જ્યારે અમદાવાદ ૯ ડિગ્રી અને પાટનગર ગાંધીનગર ૭.૭ ડિગ્રી ઠંડીમાં ધ્રુજી ઉઠયાં હતા. દરિયાકાંઠા વિસ્તારમાં સામાન્ય રીતે ઓછી ઠંડી અનુભવાઈ પણ આજે પોરબંદર, વેરાવળ, દીવમાં પણ તીવ્ર ઠંડી અનુભવાઈ હતી. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ૫ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.


ઉત્તરાયણથી ઠંડી શરૂ થઈ હતી અને લઘુતમ તાપમાન ગગડતું જતું હતું. આજે અમદાવાદનું તાપમાન ઘટીને ૯ ડિગ્રી થતાં લોકો ધ્રુજી ઉઠયાં હતા.
મહત્તમ તાપમાન પણ માત્ર ૨૫.૩ ડિગ્રી રહેતા સૂર્યપ્રકાશમાં રહેવાનું લોકોએ પસંદ કર્યું હતું. આખો દિવસ ઠંડકના કારણે લોકોને ગરમ કપડાંમાં લપેટાયેલા રહેવાની ફરજ પડી હતી. ટુ વ્હીલરચાલકોએ હેલ્મેટની સાથે સાથે કાન અને મોં વાટે ઠંડી પ્રવેશે નહીં તે માટે મફલર અને રૂમાલ વીંટાળ્યા હતા. પાટનગર ગાંધીનગરમાં ૭.૭ ડિગ્રી ઠંડીના કારણે લોકોએ કામ સિવાય બહાર જવાનું ટાળ્યું હતું.

હવામાન ખાતાએ આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ રહેવાની આગાહી કરી છે. તેમાં પણ આગામી ૪૮ કલાક સુધી વર્તમાન તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન ઉંચકાઈ શકે છે. ભેજનું પ્રમાણ સવારે ૮-૩૦ વાગ્યે ૮૩ ટકા અને સાંજે ૫-૩૦ વાગ્યે માત્ર ૩૮ ટકા નોંધાતા ચામડી ફાટી જતો હોવાનું લોકોએ અનુભવ કર્યો હતો. તીવ્ર ઠંડીના કારણે રાત્રિના તાપણાની મોસમ ખીલી છે.

ખાસ કરીને સોસાયટીના સિક્યોરિટી ગાર્ડસ, પાનના ગલ્લાધારકો, રાતજગોની ટેવ ધરાવતા યુવાનો તાપણાં કરીને ઠંડી ઉડાડતા જોવા મળે છે. હવામાન ખાતાએ સાઉથ-વેસ્ટ દિશામાં સાયક્લોનિક સરક્યુલેશન મધ્ય પ્રદેશ પર છવાયું હોવાનું ઔનોંધ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.