રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળવાના સંકેત
અમદાવાદ, રાજયભરમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ મુજબ, આગામી ૨૪ કલાક બાદથી રાજ્યના તાપમાનમાં ૨-૩ ડિગ્રીનો ઘટાડો થવાનો અંદાજે છે. એવામાં લોકોને ગરમીથી રાહત મળવાના સંકેત છે. એવામાં કાલથી અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં લોકોને ગરમીથી આંશિક રાહત મળી શકે છે.
હવામાન વિભાગના અમદાવાદ વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આગામી ૨૬ કલાક સુધી હાલનું તાપમાન યથાવત રહેશે. આ બાદ તાપમાનમાં આગામી ૫ દિવસ સુધી ૨-૩ ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે.
જાેકે હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી, પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે.
અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો ૪૩ ડિગ્રી આસપાસ રહ્યો છે, આ વચ્ચે આજે પણ શહેરમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ વખતે ગુજરાતમાં સામાન્ય ચોમાસું રહે એમ મનાઇ રહ્યું છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થા સ્કાયમેટ પ્રમાણે, ગુજરાતમાં હજુ મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે, પરંતુ એમાં સાધારણ વધારો-ઘટાડો નોંધાતો જાેવા મળશે.
૧૮મી બાદ ગુજરાત ગરમીનું પ્રમાણ ફરી વધી શકે છે, પરંતુ તાપમાન ૪૫ ડીગ્રીથી વધે એવી સંભાવના નહિવત્ છે. કેરળમાં ૨૬ મેથી ચોમાસાનું આગમન થઇ શકે છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે અને ૧૫થી ૨૦ જૂન વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઇ શકે છે.
હવામાન વિભાગ પ્રમાણે, ‘નૈઋત્યના ચોમાસાએ ભારતમાં આગમન કરી લીધું છે, જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે આંદામાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે.
પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી પાંચેક દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય-આસામ-અરૂણાચલ પ્રદેશમાં આગામી ચારથી પાંચ દિવસમાં વરસાદ પડી શકે છે. ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તીવ્રતા ઘટવાનું પણ શરૂ થઇ જશે.
કેરળમાં ૨૭ મેથી પહેલી જૂનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થાય એવી શક્યતાઓ છે. ગુજરાતમાં ગત વર્ષે ચોમાસામાં ૩૨.૫૬ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૯૮.૪૮ % વરસાદ નોંધાયો હતો.ss3kp