Western Times News

Gujarati News

રાજ્યમાં કેસ ભલે વધ્યા પરંતુ ચિંતાનો વિષય નથી : નીતીન પટેલ

ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે છતાં ચિંતાનો વિષય નથી. સ્થિતિ ગંભીર નથી એવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે. તેમણે આજે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજ્યમાં કેસ ભલે વધ્યા પરંતુ ચિંતાનો વિષય નથી. રાજ્યમાં કોરોનાના ૭૦ ટકા બેડ ખાલી છે. રાજ્યમાં દર્દીઓને દાખલ કરવા માટે તમામ વ્યવસ્થાઓ કરી રાખી છે પરંતુ હાલમાં જે કેસ આવી રહ્યા છે તે ગંભીર નથી. દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યા છે. આ સંક્રમણ આખા દેશમાં દરેક રાજ્યમાં વધી રહ્યુ છે. જ્યારે સંક્રમણ વધી રહ્યુ હોય ત્યારે જેમની રોગ પ્રતિકારત શક્તિ ઓછી હોય અને પોઝિટિવ દર્દીઓનાં સંપર્કમાં આવ્યા હોય તેમને સંક્રમણ લાગે છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, ‘રાજ્યમાં આપણે સૌને ઝડપથી વેક્સીન આપી દઈશું. ગઈકાલે ૧૩,૫૭,૦૦૦ નવા વેક્સીનના ડોઝ ફાળવી આપવામાં આવ્યા છે. આ ડોઝમાંથી ગાંધીનગરને ૭,૭૭,૦૦૦ નવા ડોઝ ફાળવી આપ્યા છે. રાજકોટ ખાતે ૧,૬૬,૫૦૦ ડોઝ, વડોદરામાં ૨,૧૩,૪૦૦ ડોઝ ફાળવી આપવામાં આવ્યા છે. આ વેક્સીનના ડોઝ સેન્ટર પરથી તમામ સરકારી દવાખાના, પીએચસી, સીએચસી વગેરે જગ્યાએ ફાળવી નાખવામાં આવશે.’
‘નાગરિકોને વધુમાં વધુ સારી રીતે વેક્સીન આપવા માટે આરોગ્ય વિભાગ સક્ષમ છે અને સારી કાર્યવાહી કરી રહ્યું છે. ગઈકાલે રજાના દિવસે પણ ૨ લાખ જેટલી રસી આપવામાં આવી છે અને સરકારનો નિર્ધાર છે કે હવે પછી રોજ ૨ લાખ વ્યક્તિને કોરોના વેક્સીન આપવામાં આવશે જેથી જલ્દીથી આ સંક્રમણની ચેન તોડી શકાય’

તેમણે ઉમેર્યુ, ‘કોઈ પણ હૉસ્પિટલમાં બેડની સુવિધા ઓછી છે એવું નથી. મોટાભાગના દર્દી ઘરે સારવાર મેળવી રહ્યા છે. ગુજરાત સરકારની જે હૉસ્પિટલમાં કોવિડની સારવારની સુવિધા કરવામા આવી છે તે પૈકીની ૭૦ ટકા બેડ ખાલી છે. તેની સગવડ અને તમામ તૈયારીઓ કરી છે. નીતિન પટેલે ઉમેર્યુ કે રાજ્યની વિધાનસભામાં જે કોઈ પણ સંક્રમિત થશે તે સારવાર લેશે પરંતુ બજેટ સત્ર ટૂંકાવવાનો કોઈ વિચાર નથી. હાલમાં કોરોનાની સ્થિતિ ગત વર્ષ જેવી ગંભીર નથી એટલે સત્ર ટૂંકાવવાનો પ્રશ્ન ઉદભવતો નથી. અગાઉ કહ્યુ તેમ હાલમાં જે દર્દીઓ આવી રહ્યા છે તે ખૂબ પ્રાથમિક લક્ષણો ધરાવતાં દર્દીઓ છે જેમને ઘરબેઠા જ સારવાર મળી શકે એમ હોવાથી ચિંતાનો વિષય નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.