રાજ્યમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે જંગી લીડથી જીત્યા હતા
રાજકોટ જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની બેઠકમાં સાંસદ તરીકે હાજરી આપી
મંત્રી ન બનાવવાનું કોઈ કારણ નથી PM મોદીના નિર્ણયનું સ્વાગતઃ રૂપાલા
રાજકોટ,રાજ્યમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે જંગી લીડથી જીતેલા લોકસભાના સાંસદ પરશોત્તમ રૂપાલા આજે જિલ્લા પંચાયતમાં જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સી બેઠકમાં પ્રથમ વાર હાજરી આપવા આવ્યા હતા. આ તકે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં પોતાને મંત્રી પદ ન મળ્યા મામલે કોઈ કારણ ના હોવાનું જણાવીને પીએમ નરેન્દ્ર મોદીના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ફાયર એન.ઓ.સી. સહિતના પ્રશ્ને તંત્ર અને સરકાર સાથે પરામર્શ કરીને સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશ એમ જણાવ્યું હતું.
રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા પંચાયતમાં આજે જિલ્લા ગ્રામીણ વિકાસ એજન્સીની બેઠકમાં લોકસભાનાં સાંસદ તરીકે હાજરી આપવા આવ્યો છું. પોતાને મંત્રી પદ ન મળવાનાં કારણો અંગે તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મંત્રીપદ મળવાનાં કોઈ કારણો હોતાં નથી કે મંત્રીપદ ન મળવાનાં પણ કોઈ કારણો હોતાં નથી. અત્યારસુધીના જે નિર્ણયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મારા માટે લેવામાં આવ્યા છે એમ આ નિર્ણય પણ મારા માટે લેવામાં આવ્યો હોય, તેથી સ્વાગત છે.
તેમણે જણાવ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ ફાયર એન.ઓ.સી.- બી.યુ. સર્ટિફિકેટ સહિતના પ્રશ્નો સામે આવ્યા છે. સરકારી વિભાગોની સક્રિયતાને કારણે જે ખામીઓ ઊભી થઈ છે એ હવે સપાટી પર આવી રહી છે. એને લીધે કેટલીક વ્યવહારિક સમસ્યાઓ ઊભી થઈ છે. તંત્ર અને રાજ્ય સરકાર સાથે પરામર્શમાં રહીને ખામીઓનો દુરુપયોગ ન થાય એ રીતે સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.
પ્રાથમિક પ્રશ્નો અંગે તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા પંચાયતનું નવું બિલ્ડિંગ બની રહ્યું છે, ત્યારે જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રવીણાબેન રંગાણી સહિતના સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બિલ્ડિંગ કોર્ટ બિલ્ડિંગમાં શિફ્ટ થવા જઈ રહ્યુ છે. આ ઉપરાંત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.ss1