રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઊંચે જવાની આગાહી
અમદાવાદ: આ વર્ષે શિયાળા દરમિયાન ઘણાં અમદાવાદીઓને સ્વેટર પહેરવાની કે શાલ ઓઢવાની જરૂર નહીં લાગી હોય, કારણકે આ વખતે શહેરનું મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી સેલ્સિઅસ અને લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી સેલ્સિઅસ રહ્યું હતું. પરિણામે વાતાવરણ ખુશનુમા હતું પરંતુ ઠંડી ઓછી હતી. ગુજરાતના હવામાન વિભાગના ઈન-ચાર્જ મનોરમા મોહંતીએ કહ્યું, સૌરાષ્ટ્ર અને કચ્છને બાદ કરતાં ગુજરાતના કોઈપણ સ્થળે કોલ્ડવેવ જાેવા મળી નથી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં નવેમ્બર ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ દરમિયાન ૩-૪ કોલ્ડવેવ જાેવા મળી હતી.
જે સીઝન દરમિયાન સામાન્ય રીતે ૪-૫ હોય છે. કોલ્ડ વેવમાં તાપમાનમાં એકાએક ઘટાડો નોંધાવાની સાથે ઠંડા પવનો ફૂંકાય છે તેમ હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું. હકીકતે ૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૪.૩ ડિગ્રી સેલ્સિઅસ હતું. જે છેલ્લા પાંચ વર્ષમાં આ મહિનામાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું અને આ દિવસના સરેરાશ તાપમાન કરતાં ૨.૯ ડિગ્રી વધારે હતું. ગુજરાતમાં આ શિયાળા દરમિયાન ઠંડી કેમ ના લાગી? હવામાન વિભાગના એક સિનિયર અધિકારીએ કારણ જણાવતાં કહ્યું- ‘આ વર્ષે શિયાળા વખતે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ઘણા વાવાઝોડા આવ્યા છે.
ગેતી, નિવાર, બુરેવી જેવા વાવાઝોડાની ગંભીરતા ભિન્ન ડિગ્રીએ ભારતીય દરિયાકાંઠા પર અનુભવાઈ હતી. ઉત્તર તરફથી પવનો વાય ત્યારે ગુજરાતમાં ઠંડી જામે છે. પરંતુ આ વખતે વાવાઝોડાના કારણે પવનની દિશા ઉત્તર તરફ જવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગ્યો હતો. ભારતીય હવામાન ખાતાના ડેટા અનુસાર આ સ્થિતિ દેશભરમાં અનુભવાઈ હતી.
આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સૌથી લઘુત્તમ તાપમાન ૨૧.૯ ડિગ્રી હતું, જે છેલ્લા ૬૨ વર્ષમાં સૌથી વધુ ગરમ (હૂંફાળું) હતું. મધ્ય ભારત જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે ત્યાં ૩૮ વર્ષનો સૌથી વધુ ગરમ શિયાળો હતો અને લઘુત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી સેલ્સિઅસ હતું. હવે રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે તેવા એંધાણ છે.