રાજ્યમાં છેલ્લા ૮ માસમાં સૌથી ઓછા કોરોનાના કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાત માટે રાહતના સમાચાર છે. કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૫૩ કેસ નોંધાયા છે. આ છેલ્લા આઠ મહિનામાં નોંધાયેલા સૌથી ઓછા કેસ છે. તો બીજીતરફ મૃત્યુ દરમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં માત્ર એક દર્દીનું મૃત્યુ થયું છે.
તો છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૪૬૨ દર્દીઓ સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાયરસના ૨,૬૦,૨૨૦ કેસ નોંધાયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી ૪૩૮૨ દર્દીઓના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૭૩ કેસ નોંધાયા છે. તો વડોદરામાં ૫૬, રાજકોટ ૪૮, સુરત ૪૧, વડોદરા ગ્રામ્ય ૧૯, રાજકોટ ગ્રામ્ય ૧૬, પંચમહાલ ૯, સાબરકાંઠા ૯, મોરબી ૬, ભરૂચ, ગાંધીનગર શહેર, જુનાગઢ, કચ્છ અને નર્મદામાં પાંચ-પાંચ કેસ નોંધાયા છે.
ભાવનગર શહેરમાં ૪, ગાંધીનગર ગ્રામ્ય ૪, અમરેલી ૩, દ્વારકા ૩, જામનગર ૩ અને જુનાગઢમાં ત્રણ કેસ નોંધાયા છે. તો એકમાત્ર મૃત્યુ અમદાવાદમાં થયું છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ૪ હજારથી નીચે પહોંચી ગઈ છે. ગુજરાતમાં આજની તારીખે ૩૯૭૬ એક્ટિવ કેસ છે, જેમાં ૪૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી સારવાર બાદ ૨ લાખ ૫૧ હજાર ૮૬૨ દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં કોરોનાને લીધે ૪૩૮૨ દર્દીઓના અત્યાર સુધી મૃત્યુ થયા છે. રાજ્યનો રિકવરી રેટ ૯૬.૭૯ ટકા પહોંચી ગયો છે.SSS