Western Times News

Gujarati News

રાજ્યમાં તમામ રસ્તાઓ દિવાળી સુધી પહેલા જેવા થઈ જશે

રાષ્ટ્રીય ધોરીમાર્ગોને નુકશાન થયું છે, તે કામોના સરવેની કામગીરી કેન્દ્ર સરકારના સહયોગમાં પૂર્ણ કરવામાં આવી
અમદાવાદ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, રાજ્યમાં થયેલ ભારે વરસાદને કારણે જે રસ્તાઓને નુકસાન થયું છે તે તમામ રસ્તાઓ નવરાત્રિથી દિવાળી સુધીમાં પહેલા જેવા થઇ જશે. આજે વિધાનસભા ખાતે નવસારી જિલ્લામાં વરસાદથી રસ્તાઓને નુકસાન સંદર્ભના ટૂંકી મુદતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, અમારી સરકાર પારદર્શી અને ૬.૫ કરોડની ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતી સરકાર છે ત્યારે રાજ્યના નાગરિકોને સારી સુવિધા પૂરી પાડવી એ અમારી નૈતિક ફરજ છે. તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં ૧૨૫ ટકાથી વધુ વરસાદ થયો છે.




જેના પરિણામે રાજ્યના રસ્તાઓને નુકસાન થયું છે. જેવો ઉઘાડ નીકળશે એટલે તુર્તજ રસ્તાના પેચવર્ક, ડામર કામ સહિતનાં કામો હાથ ધરવામાં આવશે અને જે વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો છે, ત્યાં તો કામો શરૂ પણ કરી દેવાયાં છે. એ જ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને પણ નુકશાન થયું છે. તે કામોનો સરવેની કામગીરી કેન્દ્ર સરકારના સહયોગમાં રહીને પૂર્ણ થઇ છે અને આ કામો પણ સત્વરે શરૂ કરી દેવામાં આવે છે. પટેલે કહ્યું કે, રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે શ્રમિકોની અછત હોવાના લીધે પણ કામો શરૂ કરવામાં વિલંબ થઇ રહ્યો છે.

એ જ રીતે આજ સુધી પણ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે. એટલે જેવો વરસાદ રોકાશે કે તુર્તજ માર્ગોના મરામતના કામો સત્વરે હાથ ધરાશે. તબક્કાવાર તમામ કામો પૂર્ણ કરવાનું અમારૂ આયોજન છે. તેમણે કહ્યું કે, માર્ગોનાં કામો ગુણવત્તાલક્ષી થાય એ માટે પણ અમારા ગુણવત્તા તંત્ર દ્વારા પૂરેપૂરી ચકાસણી થાય છે. એ જ રીતે ટેન્ડરોની પ્રક્રિયા પણ પારદર્શિતાથી ઓનલાઇન કરવામાં આવે છે. જેમાં ત્રણ વર્ષમાં જે રસ્તાને નુકસાન થાય એ કોન્ટ્રાક્ટરે રિપેર કરવાના હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.