રાજ્યમાં નાઈટ કર્ફ્યુના કલાકોમાં ઘટાડાની શક્યતા
અમદાવાદ, રાજ્યમાં જાણે કોરોનાની ત્રીજી વેવની અસર ઓછી થઈ રહી હોય તેમ રોજેરોજ નોંધાતા કેસોમાં મોટી સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. તેવામાં ગુજરાત સરકાર જાન્યુઆરી મહિનામાં વધારવામાં આવેલા નાઈટ કર્ફ્યૂના કલાકોમાં ઘટાડો કરે તેવી શક્યતા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ અંગે ચર્ચા થઈ છે. જેમાં નાઈટ કર્ફ્યૂમાં રાહત આપવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાલ રાજ્યના આઠ મહાનગરો ઉપરાંત, ૧૭ જેટલા નાના શહેરોમાં પણ રાતના દસથી સવારના છ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ અમલમાં છે.
નાઈટ કર્ફ્યૂને કારણે વેપાર-ધંધા પર અસર પડી રહી હોવાની રજૂઆતો સરકાર સમક્ષ ઘણા સમયથી થઈ રહી છે. આ સિવાય એક્સપર્ટ્સ પણ એવો મત વ્યક્ત કરી ચૂક્યા છે કે નાઈટ કર્ફ્યૂથી કોરોનાનો પ્રસાર રોકવામાં કોઈ મદદ નથી મળતી. રાજ્યમાં સ્થિતિ કાબૂમાં આવતા હવે સ્કૂલો પણ ફરી શરુ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ઘણા રાજ્યોએ પણ નાઈટ કર્ફ્યૂનો અમલ બંધ કરાવી દીધો છે.
સૂત્રોનું માનીએ તો, ૧૦ ફેબ્રુઆરીએ કોર કમિટિની બેઠક મળ્યા બાદ ગુજરાત સરકાર કોરોનાની નવી એસઓપી જાહેર કરી શકે છે. જેમાં નાઈટ કર્ફ્યૂ રાત્રે ૧૦ વાગ્યાને બદલે ૧૧ વાગ્યાથી શરુ કરવાની જાહેરાત કરી શકાય છે. આ ઉપરાંત, આઠ મહાનગરો સિવાયના જે ટાઉન્સમાં હાલ નાઈટ કર્ફ્યૂ ચાલી રહ્યો છે તેમને તેમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ શક્યતા છે.
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની પીક હતી ત્યારે રોજના કેસોનો આંકડો ૨૦ હજારને આંબી ગયો હતો. જાેકે, હવે તેમાં મસમોટો ઘટાડો આવ્યો છે. ૦૮ ફેબ્રુઆરીની જ વાત કરીએ તો, રાજ્યમાં ૨૫૦૦ નવા કેસ નોંધાયા હતા જ્યારે ૨૮ દર્દીના મરણ થયા હતા. હાલ રાજ્યમાં કુલ ૩૩,૬૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી ૧૯૯ વેન્ટિલેટર પર રખાયા છે જ્યારે ૩૩,૪૩૨ સ્ટેબલ છે. અત્યારસુધી રાજ્યમાં ૧૧.૬૧ લાખ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે, જ્યારે સત્તાવાર મૃત્યુઆંક ૧૦,૭૧૬ નોંધાયો છે.
જાન્યુઆરીની શરુઆતમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઈ હતી. કેસોમાં અચાનક જ ખૂબ જ મોટો ઉછાળો આવતા ગુજરાત સરકારને વાઈબ્રન્ટ ગુજરાત સમીટ પડતી મૂકવાની ફરજ પડી હતી. આ ઉપરાંત, લગ્ન, મરણ જેવા પ્રસંગોએ લોકોના ભેગા થવા પર પણ મર્યાદા મૂકવામાં આવી હતી.
જાેકે, ફેબ્રુઆરી મહિનાની શરુઆતથી જ કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. નવા દર્દીઓની સંખ્યા ઘટવાની સાથે એક્ટિવ કેસ તેમજ મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. ત્રીજી લહેરમાં સૌથી રાહતદાયક વાત એ રહી હતી કે આ વખતે હોસ્પિટલાઈઝેશનનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હતું. ડેઈલી કેસોનો આંકડો બીજી લહેર કરતાં પણ વધારે હોવા છતાંય મોટાભાગની કોવિડ હોસ્પિટલો ખાલી જાેવા મળી હતી.SSS