Western Times News

Gujarati News

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

Files Photo

અમદાવાદ : આગામી ૨ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, દરિયાકાંઠાનાં વિસ્તારો એલર્ટ પરરાજ્યમાં આગામી ૨ દિવસ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે.

૧૦ સપ્ટેબર બાદ વરસાદી સિસ્ટમ નબળી પડશે. દરિયાકાંઠાનાં જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા તંત્રએ સુચન આપ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.

સમગ્ર રાજ્યમાં વરસતા વરસાદની જો વાત કરીએ તો અમરેલીનાં રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ  વરસી રહ્યો છે. ભારે વરસાદ થતાં આગરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. રાજુલાનાં નવા આગરિયા, માંડરડી, જાપોદર સહિત ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા નદીમાં નવા નીર આવ્યાં છે. પોરબંદરનાં બરડામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા ડુંગર વિસ્તારમાં પાણી ભરાયા છે. ડુંગર પરથી પાણી કાટવાણા ગામમાં ઘૂસ્યાં છે. રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાંકી ભોગવવાનો વારો આવ્યો છે.

અમરેલીનાં ખાંભામાં ધોધમાર વરસાદ થતા ધાતરવડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદ થતા નદીમાં સતત પાણીની આવક થઈ રહી છે. નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ હતી. પાણીનાં પ્રવાહનાં કારણે વીજપોલ પણ ધરાશાયી થયાં છે. બીજી બાજુ ગીરના જંગલોમાં પણ સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા તાલાળામાંથી પસાર થતી હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે વરસાદનાં કારણે હિરણ-૨ ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યાં છે.

ડેમનાં દરવાજા ખોલ્યાં બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યાં છે. બનાસકાંઠાનાં આબુમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ થતા માઉન્ટ આબુમાં અલૌકિક દ્રશ્યો સર્જાયા છે. વરસાદ પછી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્‌યું છે. વાદળ નીચે આવતા ચારે બાજુ ધુમ્મસ છવાઈ ગયું છે. વાદળ અને વૃક્ષોનું મિલન થયું હોય તેવાં દ્રશ્યો જોવાં મળ્યાં હતાં. વરસાદ થતા પર્વતો પર લીલી ચાદર છવાઈ છે. આહલાદક દ્રશ્યો જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટ્યા હતાં.

દ્વારકાના જામ કલ્યાણપુરમાં ભારે વરસાદ પડ્‌યો છે. ગાગા ગામે ૬ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે જેના કારણે નદીઓના પાણ રસ્તાઓ પર ફરી વળ્યાં છે અને ગાગા ગામમાં મંદિર પર વીજળી પડતા નુકસાન થયું છે. દ્વારકાના ટંકારીયા ગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે. કલ્યાણપુરના ટંકારીયા ગામમાં સાત ઈંચ વરસાદ થતા ચારે તરફ પાણી ભરાયા છે. ભારે વરસાદ થતા કલ્યાણપુર તાલુકાનાં તમામ તળાવો છલકાયા છે. ભારે વરસાદ થતા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.

જૂનાગઢ જિલ્લામાં આ સીઝનનો ૧૦૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. સારો વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવાં મળ્યો છે. જિલ્લાનાં ૯ તાલુકામાં સરેરાશ ૯૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસાની સીઝનમાં વિસાવદર તાલુકામાં સૌથી વધુ ૫૧ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે માંગરોળમાં સૌથી ઓછો ૨૪ ઈંચ વરસાદ નોંધાયો છે. વંથલીમાં ૪૦ ઈંચ, માણાવદર-માળીયામાં ૩૬ ઈંચ અને કેશોદમાં ૨૭ ઇંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથ જિલ્લાનાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભારે વરસાદ થતા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં છે. કોડીનારમાં ૫ ઈંચ, તાલાળામાં અઢી ઈંચ, સૂત્રાપાડામાં અઢી ઈંચ, વેરાવળમાં ૨ ઈંચ અને ઉનામાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.