રાજ્યમાં મહાનગરોથી લઈ ગ્રામ્ય પંથક સુધી ફેલાયો કોરોના, આજનો આંકડો 900 પાર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/06/corona-2.jpg)
અમદાવાદ, રાજ્યમાં હવે મહાનગરોથી લઈને ગ્રામ્ય પંથક સુધી કોરોના ફેલાઈ ચુક્યો છે. અનલોક બાદ ધીરે-ધીરે હવે ગામડાંઓમાં પણ કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના આંકડાઓ દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસનો આંકડો 900 પાર રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 902 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 10 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2057 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 42,808 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.
કોરોનાના સંક્રમણ સુરતમાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. આજે નોંધાયેલા કુલ 902 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 207 અને જિલ્લામાં 80 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 152 અને જિલ્લામાં 12 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 61 અને જિલ્લામાં 13 કેસ, ભાવનગર કોર્પોરેશન એરિયામાં 24 અને જિલ્લામાં 16 કેસ નોંધાયા છે.
રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 74 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 10,871 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 29,806 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2057 થયો છે.