રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ કરાયા
રાજ્યની વિકાસ યાત્રાને વધુ વેગવાન બનાવવા નાગરિકોની જરૂરીયાતોને પ્રાધાન્ય આપી રસ્તાઓ, પુલો અને માળખાકીય સવલતોનું નિર્માણ કરાશે : નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ
- ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગ્રામ્ય રસ્તાઓને સુદ્રઢ બનાવાશે: રૂ.૨૫૬૯.૪૧ કરોડ ફાળવાશે
- મહેસાણા-મોઢેરા રોડ, ડીસા-લાખણી બાયપાસ રોડ, સાયલા-સુદામડા-પાળીયાદ રોડને ચારમાર્ગીય અને બગોદરા-તારાપુર-વાસદ રોડ છ માર્ગીય કરાશે
- રાજ્યના ૮૦૮.૫૮ કિ.મી. ના માર્ગોને રૂ.૧૨૬૧ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોળા કરાશે : ૪૯૭.૧૮ કિ.મી. માર્ગોને રૂ. ૫૯૦ કરોડના ખર્ચે ૭ મીટર પહોળા કરાશે
- રાજ્યમાં બાવન પુલોના નિર્માણ માટે રૂ.૧૨૦૬.૮૨ કરોડ ખર્ચાશે
- ખાસ અંગભૂત યોજનાના કામો માટે રૂ.૫૨૦ કરોડ : સુવિધાપથ માટે રૂ.૭૩ કરોડ : ગ્રામ્ય માર્ગો પર નાળા/પુલો માટે રૂ.૮૭ કરોડ
- રાજ્યમાં નવા ૬૮ રેલ્વે ઓવરબ્રીજ મંજૂર : ૩૪૭૦ કરોડ ખર્ચાશે
- અમદાવાદ-શંખેશ્વર રસ્તા પર પગદંડી માટે રૂ.૬.૭૦ કરોડ : અમદાવાદ ખાતે આવાસો નિર્માણ માટે રૂ.૪૫ કરોડ
- માર્ગ અને મકાન વિભાગની આ માંગણીઓ સર્વાનુમતે મંજૂર
નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ-મકાન મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, રાજ્યની વિકાસયાર્ત્રામાં માર્ગ-મકાન વિભાગનો સિંહફાળો રહ્યો છે. ત્યારે આ વિકાસયાત્રાને વધુ વેગ મળે એ માટે નાગરિકોની જરૂરીયાતોને પ્રાધાન્ય આપીને રસ્તાઓ, પુલો અને આંતરમાળખાકીય સવલતોનું નિર્માણ કરાશે.
આજે વિધાનસભા ખાતે માર્ગ-મકાન વિભાગની રૂ.૧૦૦૫૮.૪૦ કરોડની અંદાજપત્રીય માંગણીઓ રજુ કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રી પટેલે ઉમેર્યુ કે, તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી આયોજનના પરિણામે ગુજરાત રસ્તા, પુલો અને માળખાકીય સવલતો ક્ષેત્રે દેશમાં નમુનારૂપ ગણાય છે એતે આગળ વધારવા માટે રાજ્ય સરકારે સતત પ્રયાસો કરીને માળખાગત સવલતોનું નિર્માણ પણ કર્યુ છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોને વધુ સમૃધ્ધ બનાવવા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રીશ્રી ગ્રામ સડક યોજના જાહેર કરી છે જે હેઠળ ૩૪૦૦૦ ગામો અને પરાઓને આવરી લેવાશે. આ યોજના હેઠળ ત્રણ વર્ષમાં રૂ.૧૦૨૪૩ કરોડ મંજૂર કરાયા છે આ માટે વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂ.૨૫૬૯.૪૧ કરોડની જોગવાઇ પણ કરાઇ છે. આ યોજના હેઠળ રાજ્યમાં રૂ.૬૯૫૦ કરોડના ૧૯૬૩૦ કિ.મી. લંબાઇના ૭૩૧૬ રસ્તાના કામો પૂર્ણ કરાયા છે અને રૂ.૪૩૯૫ કરોડના ૧૦૨૫૫ કિ.મી. લંબાઇના ૩૯૦૮ રસ્તાના કામો પ્રગતિમાં છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, પ્રતિ વર્ષ રસ્તાઓની સપાટી સુધારણા, મજબુતીકરણ અને પહોળા કરવાની કામગીરી રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે મહેસાણા-મોઢેરા રોડ, ડીસા-લાખણી રોડ, સાયલા-સુદામડા-પાળીયાદ રોડને રૂ.૨૪૦ કરોડના ખર્ચે ચારમાર્ગીય કરવાનું કામ પ્રગતિ હેઠળ છે. તે જ રીતે જનભાગીદારી થકી રૂ.૧૬૫૪ કરોડના ખર્ચે બગોદરા-તારાપુર-વાસદ માર્ગને છ માર્ગીય કરાશે. સાથે-સાથે આ વર્ષે ૮૦૮.૫૮ કિ.મી. લંબાઇના માર્ગોને રૂ.૧૨૬૧.૮૦ કરોડના ખર્ચે ૧૦ મીટર પહોલા કરવાના કામો પ્રગતિ હેઠળ છે. આ વર્ષે નવા છ કામો શરૂ કરાશે. એ જ રીતે ૪૯૭.૯૮ કિ.મી. લંબાઇના રસ્તાઓને રૂ.૫૯૦.૪૦ કરોડના ખર્ચે ૭ મીટર પહોલા કરવાના કામો પ્રગતિ હેઠળ છે અને નવા સાત કામો આ વર્ષે શરૂ કરાશે.
તેમણે કહ્યું કે, આંતર જિલ્લા જોડાણો અને ગામો-શહેરો વચ્ચે ટુંકા અંતરથી અવર-જવર માટે નાગરિકોની સરળતા ખાતર રૂ.૧૨૦૬.૮૨ કરોડના ખર્ચે હાથ ધરેલ બાવન પુલોના કામો પ્રગતિ હેઠળ છે. અને પાંચ કામો આ વર્ષે શરૂ કરાશે. બીજા તબક્કામાં પણ ૨૬૭ પુલોનું નિર્માણ રૂ.૪૪.૪૭ કરોડના ખર્ચે હાથ ધરાશે. રાજ્યના વિવિધ જંકશનો ઉપર ફ્લાયઓવર બનાવવાના રૂ.૪૮૭ કરોડના ૯ કામો મંજૂર કરાયા છે. જેમાં રાજકોટ-જામનગર રોડ પર માધાપર જંકશન, મહેસાણા-પાલનપુર માર્ગ પર મોઢેરા જંકશન, સુરત-બારડોલી માર્ગ પર કડોદરા જંકશન અને ગાંધીનગર-કોબા માર્ગ પર રક્ષાશક્તિ સર્કલ પર ફ્લાયઓવર બનશે. એ જ રીતે રેલ્વે ક્રોસીંગ પર ટ્રાફીકના ભારણને ધ્યાને લઇને રેલ્વે ઓવરબ્રીજનું કામ ૫૦ % રેલ્વે વિભાગ અને ૫૦ % રાજ્ય સરકારના ખર્ચે હાથ ધરાશે. જેમાં રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે ૬૮ રેલ્વે ઓવરબ્રીજ મંજૂર કરાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં રૂ.૭૭૪ કરોડના ખર્ચે ૩૧ રેલ્વે ઓવરબ્રીજના કામો પણ પૂર્ણ કરાયા છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, આ વર્ષે અંદાજપત્રમાં જે નવી બાબતોની જોગવાઇ કરાઇ છે તેમાં અમદાવાદ-શંખેશ્વર રસ્તા પર પગદંડીની સુવિધા માટે રૂ.૬.૭૦ કરોડ, ગાંધીનગર ખાતે સેક્ટરોમાં છ-ટાઇપના ૫૬૦ સરકારી આવાસોના ૨૦ ટાવર બનાવવા માટે રૂ.૧૩૧ કરોડ પૈકી રૂ. ૪૪ કરોડની જોગવાઇ, અમદાવાદ શહેર ખાતે રૂ.૧૩૫ કરોડના ખર્ચે નિર્માણ થનાર વિવિધ કક્ષાના આવાસો માટે રૂ. ૪૫ કરોડ તથા ગાંધીનગર શહેર ખાતે વિવિધ આવાસોના બાંધકામ માટે પણ રૂ. ૧૦૫ કરોડની જોગવાઇ કરાઇ છે.
શ્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યની અનુ.સૂચિત જાતિના લોકોને ગ્રામ્ય સ્તરે માળખાગત સવલતો પુરી પાડવા રૂ.૫૨૮ કરોડની જોગવાઇ કરી છે. એ જ રીતે ગામતળના રસ્તાઓને સુવિધાપથ હેઠળ સી.સી. રોડ બનાવવા માટે રૂ. ૭૩.૮૪ કરોડ અને ગ્રામ્ય માર્ગો પર નાળા/પુલો બનાવવા માટે રૂ. ૮૭ કરોડની જોગવાઇ કરાઇ છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાતે ઉત્કૃષ્ઠ કામગીરી કરી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા આ વર્ષે ત્રીજા તબક્કાના રૂ.૮૦,૦૦૦ કરોડના કામોની જાહેરાત કરી છે. તેનો લાભ પણ ગુજરાતને મળશે.
વિશ્વ બેંક સહાયીત પ્રોજેક્ટમાં વિશ્વ બેંક દ્વારા ૧૦૫૦ કરોડની લોન મળી છે. જે હેઠળ ૬૦૯ કિ.મી. ના ૧૬ રાજ્ય ધોરીમાર્ગો પૈકી ૪૩૫ કિ.મી. લંબાઇના રસ્તાઓની ૪૮૦ કરોડના ખર્ચે પહોળા, મજબુત અને નવીનીકરણના કામો પૂર્ણ કરાયા છે તેમ તેમણે ઉમેર્યુ હતું. વિધાનસભા ખાતે માર્ગ અને મકાન વિભાગની આ માંગણીઓ સર્વાનુમતે મંજૂર કરાઇ હતી.