રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે ૧૮૬ ગામડાંઓમાં વીજળી ગુલ
ગાંધીનગર, છેલ્લાં ઘણાં સમયથી વરસાદની રાહ જાેઇ રહેલી ગુજરાતની જનતાને આખરે હવે હાશકારો થયો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈ કાલ રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં ૨૪ કલાકમાં રાજ્યના અંદાજે ૨૧૨ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
સૌરાષ્ટ્ર સહીત સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. તદુપરાંત રાજ્યમાં આગામી ૫ દિવસ સાવર્ત્રિક વરસાદની પણ આગાહી કરાઈ છે. પાંચ દિવસ પૈકી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. એવામાં રાજ્યના ૧૮૬ ગામડાંઓમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વીજળી ગુલ થઇ ગઇ છે. વીજપૂરવઠો ખોરવાઇ જતા લોકોએ ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્રે મહત્વનું છે કે, સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર અને સોમનાથ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સક્રીય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના સરકાર દ્વારા આપવામાં આવી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આભ ફાટતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાયા છે. પરંતુ ઘુંટણસમા પાણી અને ચાલુ વરસાદે પણ પોલીસની દિલધડક કામગીરી સામે આવી છે.
ચાલુ વરસાદમાં રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરતા પોલીસ કર્મચારીઓનો વીડિયો સામે આવ્યો છે. ધોધમાર વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં પણ ટ્રાફિક પોલીસ અડીખમ રહીને તેમની ફરજ બજાવી રહી છે. રાજકોટના લોકો સલામત રહે તે માટે પોલીસે અભિયાન છેડ્યું છે. પોલીસે શહેરમાં ફરતા લોકોને ઘરમાં તેમજ સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.HS