રાજ્યમાં શાંતિપુર્ણ રીતે LRDની પરીક્ષા પુર્ણ થઈ
અમદાવાદ, રાજ્યમાં સરકારી ભરતીઓ અને પેપર ફૂટવાને જાણે વણજાેઇતો સંબંધ બંધાઇ ચુક્યો છે. તેવામાં LRD ની ગુજરાતની મુખ્ય અને સૌથી મોટી પરીક્ષા પૈકીની એક હતી. આ પરીક્ષાના પેપર પર સરકારની આબરુ ટકેલી હતી. ૧૪થી વધારે પરીક્ષાઓમાં પેપર ફૂટ્યું હોવાના દાવા બાદ આ પરીક્ષા પર સરકારની શાખ હતી.
જાે કે પેપરમાં હાલનાં તબક્કે તો કોઇ પણ પ્રકારની ગેરરીતિ નહી થઇ હોવાનું લાગી રહ્યું છે. ૨.૯૫ લાખ ઉમેદવારોએ શાંતિપુર્ણ રીતે લેખિત પરીક્ષા આપી હતી. પેપર પણ પ્રમાણમાં સરળ પુછાતા વિદ્યાર્થીઓમાં આનંદ જાેવા મળ્યો હતો. જાે કે કાયદો, રીઝનીંગ અને ગણીત અને કોમ્પ્યુટર અંગેના સવાલો પુછાયા જ નહોતા. ઇતિહાસ અને ભુગોળ તથા પર્યાવરણને લગતા સવાલો પુછાયા હતા.
સમગ્ર પરીક્ષા દરમિયાન હાલના તબક્કે માત્ર બે ઘટના નોંધાઇ હતી. પરીક્ષા મુદ્દે તકેદારી મુદ્દે અધિકારીઓને પણ તમામ સેન્ટર્સની મુલાકાત લેવા માટે જણાવાયું હતું. સવારથી જ LRD પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પરીક્ષા પુર્ણ થયા બાદ લોકરક્ષક ભરતીદળ બોર્ડના પ્રમુખે પોતે જ ટ્વીટ કરીને માહિતી આપી હતી કે, લોકરક્ષક દળની પરીક્ષા શાંતિપુર્ણ રીતે પુર્ણ થઇ છે. ચોરીની બે ઘટના સિવાય કોઇ જ ઘટના બોર્ડના ધ્યાને આવી નથી.
વનરક્ષક પરીક્ષામાં ઉમેદવારે ટોઇલેટમાં જઇને પેપર લીક કર્યું હોવાની ઘટના સામે આવી હતી. LRDની પરીક્ષામાં કોઇ પણ ઉમેદવારને બહાર જવા માટેની પરવાનગી આપવામાં આવી નહોતી. દરેક ક્લાસમાં જ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.
કુલ ૭ જિલ્લાઓમાં ૯૫૪ કેન્દ્રો પર ૨.૯૫ લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ફરજ પરનો સ્ટાફ પણ ઘણીવાર સંડોવાયેલો હોવાનું લાગતા આ પરીક્ષામાં કોઇ પણ સ્ટાફને પણ મોબાઇલ રાખવાની છુટ અપાઇ નહોતી.
આ ઉપરાંત બાયોમેટ્રીક વેરિફિકેશન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત દરેક ઉમેદવારને જિલ્લાની બહાર જ નંબર અપાયો હતો. દરેક ક્લાસરૂમના સીસીટીવી પર સ્પેશિયલ કંટ્રોલરૂમ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી.