Western Times News

Gujarati News

રાજ્યમાં સતત બીજા દિવસે વરસેલો કમોસમી વરસાદ

અમદાવાદ, ગુજરાતના વાતાવરણમાં આવેલાં પલટાને કારણે રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં આજે સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જ્યારે વરસાદમાં પણ માવઠું પડ્યું હતું.

સુરત શહેરમાં સાંજના સમયે બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે વલસાડ જિલ્લાના પારડી, વાપી, વલસાડ તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

શિયાળામાં પણ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાતાં જગતના તાત ચિંતામાં મુકાયા છે અને ડાંગર, શેરડી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો.

રાજયમાં આજે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૬૮ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સાંજે ૪થી ૬ દરમિયાન ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સુરતના પાંડેસરા, વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં સાવર્ત્રિક વરસાદ વરસ્યો હતો. સુરત શહેરમાં બે કલાક દરમિયાન અંદાજે દોઢ ઈંચ જેટલો વરસાદ વરસતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો.

સાંજ સુધીમાં પલસાણા તાલુકામાં ૬૩ મીમી, મહુવામાં ૧૫ મીમી, કામરેજમાં ૧૯ મીમી વરસાદ વરસ્યો હતો. વલસાડમાં પણ છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. આજે વલસાડ જિલ્લાના વલસાડ તાલુકા, પારડી તાલુકા અને વાપી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો.

વલસાડમાં સાંજે ચારથી છ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં સાડા ત્રણ ઈંચ, વાપીમાં બપોરના બેથી છ વાગ્યા સુધીમાં ૨.૪ ઈંચ અને ઉમરગામમાં ૩ મીમી વરસાદ વરસ્યો હતો. તેમજ નવસારીના વાસંદા અને વઘઈમાં પણ વરસાદ તૂટી પડ્યો હતો.

આ ઉપરાંત બનાસકાંઠાના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠના અંબાજી પંથકમાં વરસાદને કારણે બજારોમાં પાણી વહેતું થયું હતું. અંબાજીમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. પાટણ પંથકમાં પણ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. માવઠાને કારણે રવિ પાક તેમજ કાપણી કરેલી ડાંગર, શાકભાજી અને શેરડી સહિતના પાકમાં નુકસાન થવાનો અંદાજ છે.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં આવેલાં ડીપ ડિપ્રેશનને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.