રાજ્યમાં ૧૦ કરોડ વૃક્ષારોપણ કાર્યક્રમનો ટૂંક સમયમાં પ્રારંભ કરવામાં આવશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના “મિશન મિલિયન અભિયાન” અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી એક જ સ્થળે ૬૫ હજાર વૃક્ષારોપણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિ
પ્રકૃતિની જાળવણી અને પ્રકૃતિનું જતન ટકાઉ વિકાસ ની પરિકલ્પના સાકાર કરશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આરંભેલા “મિશન મિલીયન ટ્રી” અભિયાનની પ્રશંસા કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે,સમયની માંગ આધારિત ટકાઉ વિકાસ માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૃક્ષારોપણની સુપેરે કામગીરી કરીને પ્રકૃતિના જતનનો સકારાત્મક સંદેશો આપવામાં આવી રહ્યો છે.
મુખ્ય મંત્રીશ્રીએ એમ પણ કહ્યું કે, સરકાર દ્વારા પણ રાજ્યભરમાં ૧૦ કરોડ જેટલા વૃક્ષોના વાવેતરના અભિયાનનો આરંભ કરવામાં આવનાર છે.
પાંચ વર્ષના સુશાસનના પાંચ વર્ષ સૌના સાથ, સૌનો વિકાસ સંદર્ભે આરંભેલા નવ દિવસના સેવાયજ્ઞના ઉપલક્ષમાં વિવિધ કાર્યક્રમો સંદર્ભે અમદાવાદ શહેરમાં આજે “શહેરી જન સુખાકારી દિવસ”ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના પગલે અમદાવાદ શહેરના ગોતા વિસ્તાર સ્થિત સ્મૃતિવનમાં મિયાવાકી પદ્ધતિથી એક સાથે ૬૫,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. આ સ્મૃતિ વનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પણ આજે વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતનની નેમ વ્યક્ત કરી હતી.
તેમણે વિશેષમાં કહ્યું કે, રાજ્ય સરકાર ગ્રીન ગુજરાત અને ક્લીન ગુજરાતના લક્ષ્ય ભણી ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહી છે.
આવનારી પેઢીને વારસામાં કઇ આપવા માટે ટકાઉ વિકાસ ખૂબ જ જરૂરી છે. છે માટે પર્યાવરણની જાળવણી અને મહત્તમ વૃક્ષારોપણ, વૃક્ષોનું જતન,વૃક્ષોનો ઉછેર જેવી રાજ્યવ્યાપી વિવિધ કામગીરી સરકારે હાથ ધરી છે.
શહેરના ગ્રીન કવર એરિયાને 15% સુધી લઈ જવાના હેતુથી 65,000 વૃક્ષો વાવવાના આયોજનના ભાગરૂપે માન. મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જી તથા માન. ગૃહ રાજ્યમંત્રી શ્રી @PradipsinhGuj જીની ઉપસ્થિતિમાં ગોતા વૉર્ડમાં 15,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
હરિયાળું શહેર સમૃદ્ધ શહેર. pic.twitter.com/aUZfLkWDJp— Amdavad Municipal Corporation (@AmdavadAMC) August 9, 2021
રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ પાણી સ્વચ્છ પર્યાવરણ અને પ્રદુષણ મુક્ત શહેર બને તે પ્રકારનું સુદ્રઢ આયોજન અને વ્યવસ્થાપન હાથ ધરાયું હોવાનું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
અમદાવાદ શહેરના ગોતા સ્થિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી હિતેશ બારોટ, ધારાસભ્ય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પક્ષના નેતા શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અધિકારી-પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા.