Western Times News

Gujarati News

રાજ્યમાં ૧.૫૦ કરોડ હેક્ટર ગોચર વધાર્યું : કૌશિક પટેલ

અમદાવાદ: મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે રાજ્યની સંવેદનશીલ સરકારનું રાજ્યમાં ગૌચર એક પણ ઇંચ ઓછું ન થાય માટે અમારી નેમ છે. ગૌચરની જાળવણી માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૫માં અલાયદી ગૌચર નીતિ બનાવી છે જેના પરિણામે રાજ્યમાં ૧.૫૦ કરોડ હેક્ટર ગૌચરનો વધારો કર્યો છે. આજે વિધાનસભા ખાતે ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ગૌચર અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મહેસુલ મંત્રી પટેલે ઉમેર્યુ કે ગૌચરની જમીન ક્યારેય કોઈને ફાળવાતી નથી.

પરંતુ જનહિત માટેના પ્રોજેક્ટો કે રોજગારીના નિર્માણ માટેના પ્રોજેક્ટોમાં જ ખાસ સંજોગોમાં આવી જમીન ફાળવવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ચણ માટેની જમીન પૂરતા પ્રમાણમાં જળવાઈ રહે તેને ધ્યાને લઇને ગૌચર સહેજ પણ ઓછું ન થાય એ માટે જમીન નીતિ અમલમાં મૂકવાની બાકી છે. ગૌચર વિકાસ માટે અલાયદુ ગૌચર વિકાસ ફંડ લેવામાં આવે છે. રાજ્ય સરકાર જમીન ફાળવતી વખતે ૩૦ ટકા વધારાનું ફંડ લે છે

જે ગૌચર વિકાસ ફંડ હસ્તક મૂકીને જિલ્લા પંચાયતના હવાલે મૂકે છે આ ફંડનો ઉપયોગ માત્ર અને માત્ર ગૌચરના રક્ષણ-જતન માટે કરવામાં આવે છે. તેમણે ઉમેર્યુ કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ ગૌચરની જમીનો પર દબાણ હશે તો મહેસુલ વિભાગ અને પંચાયત વિભાગ સાથે સંકલનમાં રહીને ત્વરિત દુર કરવામાં આવશે. કૌશિક પટેલે કહ્યું કે ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના ૩૯૦ ગામોમાં લઘુતમ જોગવાઇથી ઓછું ગૌચર છે જે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા સંન્નિષ્ઠ પ્રયાસો કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.